જામનગરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે વધુ એક બુટલેગર સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા કાયાભાઈ કરશનભાઈ સાખરાને પાસા હેઠળ અટકાયત કરી સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં મોકલી દેવાયા છે.
રાજકોટ રેન્જના આઈજીપી નિર્લીપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
આ સૂચનાઓના અનુસંધાને એલસીબીના પીઆઈ વી.બી. ચૌધરી અને સિટી-સી ડિવિઝનના પીઆઈ એન.બી. ડાભી તથા તેમની ટીમે પ્રોહિબિશન સંબંધિત ગુનાઓમાં સંકળાયેલા ઇસમો અંગે માહિતી એકત્રિત કરી પાસા હેઠળની દરખાસ્ત તૈયાર કરી હતી. આ દરખાસ્ત પોલીસ અધિક્ષક મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટ પી.બી. પંડયા સમક્ષ મોકલવામાં આવતા તેમણે પાસા વોરંટ જારી કર્યો હતો.
પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી. ભાટીયા અને તેમની ટીમે આ વોરંટની સફળ બજવણી કરી હતી. પાસા હેઠળ અટકાયત કરાયેલ શખ્સની ઓળખ જામનગરના ડિફેન્સ કોલોની, વુલન મિલ પાછળ રહેતા કાયાભાઈ કરશનભાઈ સાખરા તરીકે થઈ છે. કાયાભાઈ સામે અગાઉ પણ પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

