Gujarat

જામનગરમાં મરીન ટાસ્ક ફોર્સનો શાળા પ્રવેશોત્સવ

જામનગર જિલ્લાના દરિયાકાંઠાના સચાણા અને સરમતભુંગા ગામની શાળાઓમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા શાળા પ્રવેશોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને રાષ્ટ્રભક્તિ, સુરક્ષા અને શિષ્ટાચાર અંગે માર્ગદર્શન આપવાનો તેમજ ગ્રામજનો સાથે સંવાદ દ્વારા જનસંપર્ક મજબૂત બનાવવાનો હતો.

ગુજરાત રાજ્યની દરિયાઈ સુરક્ષા માટે કાર્યરત મરીન ટાસ્ક ફોર્સ સ્થાનિક લોકો સાથે વિશ્વાસપૂર્ણ સંબંધો વિકસાવવા અને સુરક્ષા એજન્સી તથા સ્થાનિક સમુદાય વચ્ચે સુમેળ જાળવવા સતત પ્રયાસો કરે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વસતા લોકો સુરક્ષા વ્યવસ્થાના મહત્વપૂર્ણ સહભાગી બની શકે તે માટે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે.

વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલા ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમના અનુસંધાને, એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન થયું હતું. મરીન ટાસ્ક ફોર્સના અધિકારીઓએ શાળામાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું. તેમને શું કરવું અને શું ન કરવું, શિષ્ટાચાર, રાષ્ટ્રભક્તિ, સુરક્ષા, સાવચેતી અને સામાજિક જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ, વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ અપાયો હતો.

આ કાર્યક્રમમાં મરીન ટાસ્ક ફોર્સ જામનગરના પોલીસ ઇન્સ્પેક્ટર ધરમવીર આર. યાદવ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી. એમ. બોપલિયા, ડી. એચ. જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર બી. એચ. ચાવડા તથા મરીન કમાન્ડોની ટીમો ઉપસ્થિત રહી હતી. સચાણા ખાતે સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર રવિકુમાર અકબરી અને આચાર્યો સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. જ્યારે સિક્કા-સરમતભુંગા ખાતે વન વિભાગના આરએફઓ કે. આર. ચુડાસમા, આચાર્ય રમીલાબેન વાણિયા, રિલાયન્સ વેલ્ફેર કોઓર્ડિનેટર કુંજલભાઈ, તાલુકા શિક્ષણ અધિકારી ઝાલા, સ્થાનિક સરપંચો અને ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના અંતે, મરીન ટાસ્ક ફોર્સના અધિકારીઓએ ગ્રામજનો સાથે અનૌપચારિક સંવાદ કર્યો હતો. આ સંવાદ દ્વારા દરિયાઈ સુરક્ષા સંબંધિત જાગૃતિ ફેલાવવામાં આવી હતી. સ્થાનિક લોકો અને સુરક્ષા એજન્સીઓ વચ્ચે વધુ સારો સંપર્ક અને વિશ્વાસ જળવાઈ રહે તે માટે આવા કાર્યક્રમો સતત યોજવામાં આવશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.