Gujarat

વાવ-થરાદના લોકોને થતી હેરાનગતિ મામલે આખરે તંત્ર દ્વારા લેવાયા પગલા

સરહદી ગામોમાં સમયસર પાણી ન પહોંચાડતા, ગેરકાયદેસર કનેક્શનો સામે ઢીલી નીતિ દાખવનાર એજન્સીને ૭૦ લાખનો દંડ ફટકારાયો

રાજ્યના વાવ-થરાદમાં આવેલ સરહદી ગામડાઓમાં લોકોને ઘણા સમયથી ભોગવવી પડી રહેલી પીવાનું પાણી અનિયમિત્તા અને પૂરતા પ્રમાણમાં સમયસર પાણી પહોંચાડવામાં નિષ્ફળ નીવડેલી પાણી પુરવઠા એજન્સી સામે જિલ્લા પાણી પુરવઠા વિભાગે આકરું વલણ અપનાવ્યું છે. સ્થાનિક ગ્રામજનો દ્વારા સતત પાણી ન મળવાની ફરિયાદો ઉઠ્યા બાદ તંત્ર દ્વારા આ કડક કાનૂની અને દંડાત્મક પગલું ભરવામાં આવ્યું છે.

વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે પાણીના કનેક્શનો હોવા છતાં તેને રોકવામાં એજન્સી દ્વારા સતત ઢીલી નીતિ દાખવવામાં આવી રહી હતી. કાયદેસરના વપરાશકારો સુધી પાણી પહોંચાડવા માટે કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતાં અને ગેરરીતિઓ ચાલુ રહેતાં જાહેર આરોગ્ય બાંધકામ વિભાગે કડક હાથે કામ લીધું છે.

સરહદી ગામોમાં પાણીની સમસ્યા વિકટ બનતાં જિલ્લા પાણી પુરવઠા વિભાગે ભૂતકાળમાં પણ આ જ એજન્સી સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી. છતાં સુધારો ન આવતાં, વારંવારની ગેરરીતિઓ અને બેદરકારી બદલ પાણી પુરવઠા વિભાગ દ્વારા અત્યાર સુધીમાં આ એજન્સીને કુલ રૂ. ૭૦ લાખનો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો છે.

આ મામલે જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ (પાણી પુરવઠા વિભાગ), થરાદના કાર્યપાલક ઈજનેર જી. એમ. રાણાએ જણાવ્યા અનુસાર, પ્રજાને પીવાના પાણીની કોઈ તકલીફ ન પડે તે વિભાગની પ્રાથમિકતા છે. જે પણ એજન્સી પોતાની જવાબદારી યોગ્ય રીતે નહીં નિભાવે અથવા ગેરરીતિ આચરશે તેની સામે ભવિષ્યમાં પણ આવી જ આકરી કાર્યવાહી ચાલુ રહેશે.