Gujarat

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની શરૂઆત વંદે માતરમ્ ગીતના ગાન સાથે થતાં જ રાજકારણ ગરમાયું

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની શરૂઆત વંદે માતરમ્ ગીતના ગાન સાથે થતાં જ રાજકીય ગરમાવો સર્જાયો છે. કોંગ્રેસના જમાલપુર-ખાડિયા બેઠકના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ગીત દરમિયાન બેસી જતાં ભાજપના નેતાઓએ આ મુદ્દે કોંગ્રેસ પાસે સ્પષ્ટતા અને માફીની માંગ કરી છે. બીજી તરફ ખેડાવાલાએ પોતાના વલણને વ્યક્તિગત ગણાવીને કહ્યું છે કે, “દેશપ્રેમ માટે ભાજપના સર્ટિફિકેટની મને જરૂર નથી.”

વંદે માતરમ ગાન દરમિયાન બેસી જવાના વિવાદ પર કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સ્પષ્ટતા કરી છે કે આ તેમનું વ્યક્તિગત સ્ટેન્ડ છે, પક્ષનું નહીં. તેમણે જણાવ્યું કે તેઓ ૧૯૩૭થી ગવાતા મૂળ વંદે માતરમનો આદર કરે છે, પરંતુ ભક્તિ અને દેવી-દેવતાઓની વાત કરતા પાછળના ફકરાઓથી તેમને વાંધો છે.

જમાલપુર-ખાડીયા વિધાનસભાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પોતાના બચાવમાં જણાવ્યું કે, વંદે માતરમ્ ગવાતું હતું ત્યારે તેઓ ઊભા હતા અને અગાઉ જે રીતે ગીત ગવાતું હતું, તે સંપૂર્ણ સન્માન સાથે ગાયું ત્યાં સુધી ઊભા રહ્યા હતા. તેમણે કહ્યું કે, “૧૯૩૭માં મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને રવીન્દ્રનાથ ટાગોરના સમયમાં વંદે માતરમ્ જેટલું ગવાતું હતું, તેટલા સમય સુધી હું ઊભો રહ્યો હતો. ત્યારબાદ હું બેસી ગયો હતો.”

તેમણે વધુમાં કહ્યું કે તેઓ ભાજપની વિચારધારા સાથે જાેડાયેલા નથી અને ગીતમાં પાછળથી ઉમેરાયેલી લાઇનો દરમિયાન બેસવું તેમનું વ્યક્તિગત વલણ છે. ખેડાવાલાએ સ્પષ્ટતા કરી કે, “હું દેશપ્રેમી છું અને રહીશ. દેશપ્રેમ માટે ભાજપના સર્ટિફિકેટની મને જરૂર નથી.” સાથે જ તેમણે કહ્યું કે, “અડધા ગીતે હું બેસી ગયો છું, પરંતુ એ મારો પર્સનલ મામલો છે. આ મારું સ્ટેન્ડ છે, કોંગ્રેસનું સ્ટેન્ડ નથી.”

ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે આ ઘટનાને શરમજનક ગણાવી હતી. તેમણે કહ્યું કે રાષ્ટ્રના ગૌરવ અને સંસદીય પ્રણાલીનું વારંવાર અપમાન કરવું કોંગ્રેસની આદત બની ગઈ છે. તેમના જણાવ્યા મુજબ, અગાઉ સોનિયા ગાંધી અને હવે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા થયેલું કૃત્ય અત્યંત શરમજનક છે. તેમણે ધારાસભ્ય અને કોંગ્રેસ ગુજરાતની પ્રજાની માફી માંગે તેવી માંગ કરી હતી.

ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે વંદે માતરમ્ માત્ર રાજકીય મુદ્દો નથી, પરંતુ દેશની આસ્થા અને શ્રદ્ધાનો વિષય છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે કોંગ્રેસે નક્કી કરવું પડશે કે તેઓ વંદે માતરમ્ ગાવા માંગતા નથી?

પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પણ કોંગ્રેસને આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું કે વિધાનસભા પરંપરા અને નિયમોથી ચાલે છે અને આ પરંપરા ભાજપે શરૂ કરી નથી. તેમના જણાવ્યા મુજબ, ચૂંટાયેલા જનપ્રતિનિધિને પણ ગૃહની પ્રણાલીનું પાલન કરવું પડે છે. ભાજપના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે અધ્યક્ષને રજૂઆત કરી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

વાઘાણીએ કહ્યું કે ખેડાવાલા તેને વ્યક્તિગત સ્ટેન્ડ ગણાવે છે, પરંતુ એક જનપ્રતિનિધિ તરીકે કોઈ સ્ટેન્ડ વ્યક્તિગત ન હોઈ શકે. તેમણે કોંગ્રેસ પર દેશભક્તિના નામે એક થઈ રહેલા લોકોને તોડવાનું ષડયંત્ર કરવાનો આક્ષેપ કર્યો અને સવાલ કર્યો કે “કોંગ્રેસના સભ્ય ભારતીય નથી? કોંગ્રેસ ખેડાવાલાને સભ્ય તરીકે ચાલુ રાખવા માગે છે?”

તે બાદ ધારાસભ્ય મહેશ કસવાલાએ પણ આ ઘટનાને લઈને કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે રાષ્ટ્રના ગૌરવ અને સંસદીય પ્રણાલીનું વારંવાર અપમાન કરવું કોંગ્રેસની આદત બની ગઈ છે. તેમના જણાવ્યા મુજબ, સંસદીય પરંપરાઓ અને વંદે માતરમ્ અંગે જાહેરમાં થયેલું અપમાન કોંગ્રેસની રાષ્ટ્રવિરોધી માનસિકતાનું પુરાવું છે.

સમગ્ર વિવાદને લઈને ભાજપે કોંગ્રેસનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવાની માંગ કરી છે. બીજી તરફ ઇમરાન ખેડાવાલાએ ફરી સ્પષ્ટ કર્યું છે કે તેમનું વલણ વ્યક્તિગત છે અને તેને કોંગ્રેસના સત્તાવાર સ્ટેન્ડ તરીકે જાેવું નહીં જાેઈએ. પરિણામે વંદે માતરમ્ ગાનનો મુદ્દો હવે વિધાનસભાની બહાર પણ રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ વંદે માતરમ્ મુદ્દે કોંગ્રેસને આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું કે વિધાનસભા પરંપરા અને નિયમોથી ચાલે છે અને ચૂંટાયેલા જનપ્રતિનિધિએ પણ તેનું પાલન કરવું પડે છે. વાઘાણીએ કહ્યું કે વંદે માતરમ્ રાજનીતિનો નહીં પરંતુ દેશની આસ્થા અને શ્રદ્ધાનો વિષય છે. ખેડાવાલા આને વ્યક્તિગત સ્ટેન્ડ ગણાવે છે, પરંતુ જનપ્રતિનિધિ તરીકે સ્ટેન્ડ વ્યક્તિગત ન હોઈ શકે તેમ તેમણે જણાવ્યું. સાથે જ કોંગ્રેસને સવાલ કર્યો કે “કોંગ્રેસના સભ્ય ભારતીય નથી?” અને “કોંગ્રેસ ખેડાવાલાને સભ્ય તરીકે ચાલુ રાખવા માગે છે?” કોંગ્રેસ દેશના ભાગલા પાડવાના પ્રયાસ કરી રહી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.