સુરત જિલ્લામાં તાજેતરમાં આવેલા ભારે વાવાઝોડા અને અતિવૃષ્ટિ બાદ, પશુધનની સુરક્ષા અને સંભવિત રોગચાળાને અટકાવવા વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી દેવેન્દ્ર પ્રકાશ મીના અને જિલ્લા પશુપાલન અધિકારી ડૉ. મયુર ભીમાણીના નેતૃત્વ હેઠળ ૧૨ વિશેષ તબીબી ટીમો દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં વ્યાપક પશુ રોગ પ્રતિકારક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
આ રાહત કામગીરી મુખ્યત્વે ઓલપાડ, માંડવી, અરેઠ અને માંગરોળ તાલુકાઓના સૌથી વધુ અસરગ્રસ્ત પશુપાલન ક્ષેત્રો પર કેન્દ્રિત છે.
પશુધનનું આરોગ્ય એ જ પ્રાથમિકતા
એચ.એસ. (ગળસુંઢા રોગ) સામે રસીકરણ: પૂર બાદ ફેલાતા ગંભીર એચ.એસ. (Hemorrhagic Septicemia) રોગ સામે પશુધન માટે વ્યાપક રસીકરણ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
રોગપ્રતિકારક શક્તિમાં વધારો: પશુઓના સ્વાસ્થ્ય રક્ષણ અને ન્યુટ્રિશનલ સપોર્ટ માટે પશુપાલકોને કૃમિનાશક (Deworming) દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
મૃત્યુદર સર્વે અને સહાય: પૂરના કારણે મૃત્યુ પામેલા પશુઓની ચોક્કસ આંકડાકીય માહિતી એકત્ર કરવા માટે ગ્રાઉન્ડ સર્વે હાથ ધરાયો છે, જેથી અસરગ્રસ્ત પશુપાલકોને પુન:વસન સહાય પૂરી પાડી શકાય.
જૈવ-સુરક્ષા અને જનસ્વાસ્થ્ય : માનવ અને પ્રાણીઓમાં સંક્રમણ ન ફેલાય તે માટે પશુઓના મૃતદેહોનો વૈજ્ઞાનિક અને સલામત પદ્ધતિથી નિકાલ (Scientific Disposal) કરવામાં આવી રહ્યો છે.
જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગે તમામ સ્થાનિક પશુપાલકોને સમયસર રસીકરણ સુનિશ્ચિત કરવા અપીલ કરી છે.

