Gujarat

અમરેલી પાસે રેલ ટ્રેક નજીક સિંહણ દેખાતા માલગાડી રોકી દેવાઈ; વનવિભાગ-રેલવેની સતર્કતાથી અકસ્માત ટળ્યો

શેત્રુંજી વન વિભાગની લીલીયા રેન્જ વિસ્તારમાં મોડી રાત્રે એક સિંહણ રેલવે ટ્રેક પર આવી ચડતાં રેલવે ટ્રાફિકને થોડા સમય માટે રોકી દેવાયો હતો જેથી કોઈ અકસ્માત ના થાય. અંટાળીયા તરફથી આવી રહેલી સિંહણ માઇલ સ્ટોન નં. ૨૮/૧ અને ૨૮/૨ વચ્ચેના રેલવે ટ્રેક પર આવી ચડતાં સંભવિત અકસ્માતની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં વનવિભાગે તાત્કાલિક કામગીરી હાથ ધરી સિંહણને સુરક્ષિત રીતે ટ્રેક પરથી દૂર કરી તેના કુદરતી રહેઠાણ તરફ દોરી જવામાં આવી હતી.

આ ઘટનાની જાણ થતાં શેત્રુંજી ડિવિઝનના ડી.સી.એફ. ચિરાગ અમીન અને એ.સી.એફ. રાજન જાદવના માર્ગદર્શન હેઠળ વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફોરેસ્ટર ઇમરાન પઠાણ તેમજ વનમિત્ર અને રેલમિત્રની ટીમ દ્વારા રેલવે ટ્રેક આસપાસ સતત દેખરેખ રાખવામાં આવી હતી.

સિંહણ રેલવે ટ્રેક પર સતત આંટાફેરા કરતી હોવાથી વનવિભાગની ટીમે પરિસ્થિતિની ગંભીરતા સમજીને ટ્રેક પરથી પસાર થઈ રહેલી માલગાડીને તાત્કાલિક રોકાવી દીધી હતી. સિંહણને ટ્રેક પરથી સુરક્ષિત રીતે દૂર કરવા માટે ટીમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. સિંહણને બે વખત સુરક્ષિત રીતે ટ્રેક પરથી દૂર ખસેડવામાં આવી હતી અને આખરે તેને ટ્રેક ક્રોસ કરાવીને કુદરતી રહેઠાણ તરફ દોરી જવામાં આવી હતી.

સિંહણ રેલવે ટ્રેક વિસ્તારમાંથી સંપૂર્ણપણે દૂર થઈ ગયા બાદ જ રેલવે ટ્રાફિકને પુન: શરૂ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરી દરમિયાન અંદાજે અડધા કલાક જેટલો સમય માલગાડી રોકી રાખવામાં આવી હતી. વનવિભાગ અને રેલવેની ટીમ વચ્ચેના તાત્કાલિક સંકલનને કારણે સિંહણ તેમજ રેલવે મુસાફરો અને કર્મચારીઓની સુરક્ષા જળવાઈ રહી હતી અને સંભવિત મોટો અકસ્માત ટળી ગયો હતો.

લીલીયા બૃહદગીર વિસ્તાર સિંહોની કાયમી અવરજવર ધરાવતો વિસ્તાર છે. અહીં વસવાટ કરતા સિંહો પોતાના ટેરિટરી વિસ્તારમાં સતત અવરજવર કરતા હોય છે અને ઘણી વખત લીલીયા તથા સાવરકુંડલા તરફના વિસ્તારોમાં રેલવે ટ્રેક ક્રોસ કરતા હોવાના બનાવો પણ સામે આવતા રહે છે. જેના કારણે આ વિસ્તારમાંથી પસાર થતી રેલવે લાઇન પર વનવિભાગ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવે છે.

ચોમાસાની ઋતુમાં પણ સિંહો ઘણી વખત રેલવે ટ્રેક અથવા ખુલ્લા વિસ્તારોમાં જાેવા મળતા હોય છે. આવી સ્થિતિમાં રેલવે ટ્રેક પર સિંહ કે અન્ય વન્યપ્રાણી દેખાય ત્યારે થોડા સમય માટે રેલવે ટ્રાફિક રોકી વન્યપ્રાણીને સુરક્ષિત રીતે ટ્રેક પરથી દૂર કરવું જરૂરી બની રહે છે.

તે વાત પણ ખુબ મહત્વની છે કે, શેત્રુંજી વન વિભાગની ટીમો રેલવે ટ્રેક તથા આસપાસના વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરતી રહે છે. આ ઘટનામાં પણ વનવિભાગની ટીમે સમયસર સિંહણને ઓળખી રેલવે ટ્રાફિક રોકાવ્યો હતો. ફોરેસ્ટર ઇમરાન પઠાણ અને તેમની ટીમે વનમિત્ર-રેલમિત્રની મદદથી સિંહણની હિલચાલ પર નજર રાખી તેને સુરક્ષિત રીતે ટ્રેક પાર કરાવ્યો હતો. વનવિભાગની સતર્કતા અને રેલવે વિભાગ સાથેના સંકલનના કારણે સિંહણનો જીવ બચાવવાની સાથે રેલવે ટ્રાફિકને પણ સુરક્ષિત રાખવામાં સફળતા મળી હતી.