Gujarat

દેશી બનાવટની પિસ્તોલ અને ૫ જીવતા કારતૂસ સાથે ભાવનગર એસઓજી એ એક વ્યક્તિની ધરપકડ કરી

ભાવનગર એસઓજી પોલીસની ટીમે એક ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને એક શખ્સને દેશી બનાવટની પિસ્તોલ (તમંચો) તથા ૫ નંગ જીવતા કારતૂસ સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલો તેનો અન્ય એક સાગરીત સ્થળ પરથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે.

પોલીસની ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમે શહેરના નવાપરા વિસ્તારમાં આવેલી ઇન્ડિયા મોટર્સ નામના શોરૂમ/દુકાનની સામે વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં મળી આવેલા નવાપરાના રહીશ જાહિદભાઈ હુસેનભાઈ મકવાણાની તલાશી લેતાં તેની પાસેથી ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ અને ૫ જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને જાહિદ મકવાણાની અટકાયત કરી લીધી હતી.

પોલીસે આરોપી પાસે થી દેશી બનાવટની ૧ પિસ્તોલ તથા ૫ જીવતા કારતૂસ સહિત કુલ રૂ.૩,૨૦,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ દરોડા દરમિયાન નવાપરાનો જ ઈશાદભાઈ રફીકભાઈ શેખ નામનો શખ્સ ફરાર થઈ ગયો હતો. ભાવનગર ર્જીંય્ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી પકડાયેલા આરોપીની ઘનઘોર પૂછપરછ હાથ ધરી છે અને ફરાર આરોપી ઈશાદ શેખને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.