Gujarat

અમદાવાદના પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે વિવિધ ક્ષેત્રના પ્રતિભાગીઓ ઉત્સાહપૂર્વક જોડાયા

અમદાવાદના પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા આયોજિત વિશિષ્ટ વર્કશોપ “ઓરેન્ડા સ્કાયલાઇન AI માસ્ટરક્લાસ બાય be10x 2026” ને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. આ ઐતિહાસિક શૈક્ષણિક સેમિનારમાં ૫૦૦થી વધુ ઉદ્યોગપતિઓ, કોર્પોરેટ પ્રોફેશનલ્સ, રોટરી સભ્યો, વિદ્યાર્થીઓ અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

વર્કશોપ દરમિયાન be10xના સહ-સ્થાપકો આદિત્ય ગોએંકા અને આદિત્ય કચાવે દ્વારા અદ્યતન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલ્સનું લાઇવ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમણે વાસ્તવિક જીવન અને વ્યવસાયિક ઉદાહરણો થકી સમજાવ્યું હતું કે, AI ના ઉપયોગથી સમયની બચત કેવી રીતે કરી શકાય, કામગીરીમાં સ્માર્ટનેસ અને ઉત્પાદકતા (Productivity) કેવી રીતે વધારી શકાય. પ્રતિભાગીઓએ આ વર્કશોપને અત્યાર સુધીની સૌથી વ્યવહારુ અને પ્રેરણાદાયક માસ્ટરક્લાસ ગણાવી હતી.

આ ભવ્ય કાર્યક્રમનું આયોજન રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા કરવામાં આવ્યું હતું, જેને રોટરી ક્લબની વિવિધ પાંખો જેમ કે સ્કાયલાઇન જ્યુપિટર, પેટ્રન, ટાઇટન્સ, તેજસ્વિની, પ્લેટિનમ, કેપિટલ્સ ઉપરાંત રાઉન્ડ ટેબલ ઇન્ડિયા (એરિયા 11), ઇસ્કોન પ્લેટિનમ, જાલો જિલ્લા ચેમ્બર ફેડરેશન અને KPSJCA નો બહોળો સહયોગ પ્રાપ્ત થયો હતો.

કાર્યક્રમ દરમિયાન રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇનના પ્રમુખ રોટેરિયન પંકજ સંગાનેરિયાએ કોલકાતા અને પુણેથી ખાસ ઉપસ્થિત રહેલા be10x ના સહ-સ્થાપકોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ પ્રકારની પહેલ સમાજને ભવિષ્યની ડિજિટલ ટેક્નોલોજી સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

પ્રોજેક્ટ એડવાઇઝર રોટેરિયન સૌરભ ખંડેલવાલએ તમામ સહયોગી સંસ્થાઓ અને ભાગ લેનાર સભ્યોનો આભાર માનતા ઉમેર્યું કે, જ્ઞાન અને નવીનતાના માધ્યમથી સમાજને સશક્ત બનાવવો એ જ રોટરીની સાચી ભાવના છે. માસ્ટરક્લાસને મળેલા ભવ્ય પ્રતિસાદથી સ્પષ્ટ થાય છે કે આજના સમયમાં પ્રાયોગિક AI શિક્ષણની માંગ ખૂબ જ વધી રહી છે.