Gujarat

ગોમતી ઘાટ પર પ્રવાસીઓની અવરજવર, ન્હાવા પર પ્રતિબંધ

યાત્રાધામ દ્વારકામાં છેલ્લા કેટલાક દિવસોથી સર્જાયેલા વરસાદી માહોલ સાથે દરિયાઇ પાણીમાં જોવા મળતા કરન્ટને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં યાત્રિકો અને સ્થાનિક નાગરિકો ની સુરક્ષાને સર્વોપરી ગણતા ગોમતી ઘાટ પર પ્રવાસીઓની અવર-જવર તેમજ ન્હાવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

દરિયામાં હાલ 8 થી 10 ફૂટ જેટલા ઊંચા મોજાં ઉછળી રહ્યા હોવાથી ગોમતી ઘાટ વિસ્તાર જોખમી બન્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે તાજેતર માં સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં એક વૃદ્ધ વ્યક્તિ ગોમતી નદીના પ્રવાહમાં તણાઈ રહ્યા હોવાનું જોવા મળ્યું હતું.

આ ઘટનાએ વહીવટી તંત્રને વધુ સતર્ક બનાવ્યું છે. કોઈપણ પ્રકારની દુર્ઘટના ટાળવા અને યાત્રિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ગોમતી ઘાટ વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે.

ગોમતી ઘાટ ખાતે સ્થાનિક પોલીસ વિભાગ અને ફાયર વિભાગની ટીમોને તૈનાત કરવામાં આવી છે. સુરક્ષા કર્મચારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે તેમજ યાત્રિકોને જોખમી વિસ્તારોમાં ન જવા માટે સૂચના આપવામાં આવી રહી છે.