Gujarat

ગીર સોમનાથમાં બેંક કર્મચારીઓએ વિવિધ માંગણીઓ સાથે હડતાળ પાડી

ગીર સોમનાથ જિલ્લામાં બેંક કર્મચારીઓએ આજે પોતાની અલગ-અલગ માંગણીઓ માટે હડતાળ કરી હતી. બેંકની બહાર કર્મચારીઓ ભેગા થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ હડતાળમાં જિલ્લાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડા સહિતની સરકારી બેંકોના લગભગ ૬૦૦ થી ૭૦૦ કર્મચારીઓ, અધિકારીઓ અને મેનેજરો સામેલ થયા હતા.

વેરાવળમાં યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના હિતેશ ચુડાસમા, કિરીટ જાની, જીગર લાડવા, ધનસુખ ભેંસલા અને કુણાલ સુખદેવ સહિતના બેંક કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. તેમની મુખ્ય માંગણી અઠવાડિયામાં પાંચ દિવસ બેંકિંગ કામગીરી ચાલુ રાખવાની છે.

આ હડતાળને કારણે ગીર સોમનાથ જિલ્લામાં બેંકની શાખાઓ બંધ રહી હતી. તેના લીધે કરોડો રૂપિયાના વ્યવહારો અટકી પડ્યા હતા. કર્મચારીઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પૂરી નહીં થાય, તો આગામી ૨૮, ૨૯ અને ૩૦ સપ્ટેમ્બરના રોજ ત્રણ દિવસની વધુ હડતાળ કરાશે.