ટેમ્પો ચાલક યુવકને રસ્તામાં આંતરી ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી આપી, બે ભાઈઓ સામે ભાવનગરમાં ફરિયાદ નોંધાઈ શહેરના કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા 26 વર્ષીય યુવકને રસ્તામાં આંતરી ગાળો આપી, નાણાંની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ યુવકે બોરતળાવ પોલીસ મથકે બે શખસો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી..
આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકે થી મળતી માહિતી મુજબ ગત તા.25/8 ના રોજ સાંજના આશરે સાડા સાત વાગ્યાના અરસામાં સમીર પોતાનો માલ-સામાન ભરેલો ટેમ્પો લઈને કુંભારવાડા મોતીતળાવ સ્થિત વી.આઈ.પી. ડેલામાં ખાલી કરવા જઈ રહ્યા હતા, આ દરમિયાન વી.આઈ.પી. ડેલા નજીક ખુલ્લી જગ્યા પાસે એક લાલ રંગની ફોર વ્હીલ ગાડીમાં આવેલા ઇરફાન ઉર્ફે પાન્યો સુમરા અને તેનો ભાઈ ભોપો બંને રહે. કુંભારવાડા નામના બે શખસોએ ટેમ્પો અટકાવ્યો હતો, બંને શખસોએ ગાડીમાંથી નીચે ઉતરી સમીરને ગાળો આપવાનું શરૂ કર્યું હતું, સમીરએ ગાળો આપવાની ના પાડતા બંને ઉશ્કેરાઈ ગયા હતા અને તેમની પાસે પૈસાની માંગણી કરી હતી.
જોકે,સમીરએ પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા બંને ભાઈઓએ “આજે તો તને જવા દઈએ છીએ, હવે પછી સામે મળીશ તો પતાવી દઈશું” તેવી સીધી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બનાવ બાદ યુવક ગભરાઈ ગયો હોય, શરૂઆતમાં પોલીસમાં જાણ કરી ન હતી. પરંતુ આરોપીઓ તરફથી સતત જાનનું જોખમ જણાતા આખરે હિંમત ભેગી કરી યુવકે પોલીસ મથકે રૂબરૂ પહોંચી ફરિયાદ નોંધાવી હતી.

