Gujarat

અંબાજી મંદિરમાં 5 મીટરથી મોટી ધજા ચઢાવી શકાશે નહીં

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે. આ મેળામાં સંઘો અને પદયાત્રીઓ દ્વારા લાવવામાં આવતી ધજાઓ અંગે અંબાજી મંદિર ટ્રસ્ટે મહત્વની જાહેરાત કરી છે. મંદિરના શિખર પર 5 મીટરથી મોટી ધજા ચઢાવી શકાશે નહીં.

અંબાજી મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટરે આ અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, જે સંઘો અને પદયાત્રીઓ 5 મીટરથી લાંબી ધજા લઈને આવશે, તેમની ધજાઓ મંદિરના શિખરે ચઢાવવાના બદલે માતાજીના મંદિરમાં રાખવામાં આવશે. આવા સંઘોએ 5 મીટરની ધજા મંદિર ટ્રસ્ટ પાસેથી મેળવવી પડશે.

નોંધાયેલા 1635 સંઘ તેમજ વગર નોંધાયેલા લાખો પદયાત્રા સંઘો માતાજીની ધજા લઈ અંબાજી આવવાની તૈયારીમાં છે. આ તમામ ભક્તોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ 5 મીટરની જ ધજા લઈને યાત્રા શરૂ કરે. આ ઉપરાંત, અનેક પગપાળા સંઘો માતાજીના રથ અને માંડવીઓ લઈને પણ અંબાજી આવે છે. હાલમાં ચાલી રહેલી કોરિડોરની કામગીરીને કારણે જગ્યા ઓછી હોવાથી, પદયાત્રીઓ દ્વારા લાવવામાં આવેલા રથ અને માંડવી પોતાના ઉતારા પર જ રાખવા માટે ખાસ સૂચના અપાઈ છે.