Gujarat

બારીપાડા-માનમોડી-સુરગાણા માર્ગનું ધોવાણ થતાં યુદ્ધના ધોરણે સમારકામ

ડાંગ જિલ્લામાં છેલ્લા સપ્તાહ દરમિયાન થયેલા ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિમાં જનજીવન સામાન્ય રહે અને વાહનવ્યવહારને કોઈ મોટી અસર ન થાય તે માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. વરસાદી માહોલ વચ્ચે નાગરિકોની સુવિધા માટે માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ, આહવા દ્વારા યુદ્ધના ધોરણે રસ્તા દુરસ્તી કામગીરી હાથ ધરવામાં આવી છે.

ગત દિવસોમાં ડાંગ પંથકમાં પડેલા અતિભારે વરસાદને કારણે નદી-નાળા છલકાયા હતા, જેના લીધે બારીપાડા-માનમોડી-સુર ગાણા રોડ પર પાણી ફરી વળ્યા હતા (ઓવરટોપિંગ થયું હતું). પાણીના તીવ્ર પ્રવાહને કારણે આ મહત્વના માર્ગનું મોટાપાયે ધોવાણ થયું હતું અને રસ્તાની બંને બાજુના સાઈડ શોલ્ડરને ભારે નુકસાન પહોંચ્યું હતું. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, બારીપાડા-માનમોડી-સુર ગાણા રોડ એ ગુજરાત અને પાડોશી રાજ્ય મહારાષ્ટ્રને જોડતો અત્યંત મહત્વનો આંતરરાજ્ય માર્ગ છે.દરરોજ સેંકડો નાના-મોટા વાહનો અને સ્થાનિક નાગરિકો આ રસ્તાનો ઉપયોગ કરે છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય)ના કાર્યપાલક ઈજનેર કેતન કુંકણાના સીધા માર્ગદર્શન હેઠળ તાકીદે વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે.

નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા અને આંતરરાજ્ય વાહનવ્યવહારને ઝડપથી પૂર્વવત કરવા માટે હાલમાં આ રોડનું રિપેરિંગ કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. જે જગ્યાઓએ ખાડા પડ્યા છે અને ધોવાણ થયું છે ત્યાં મટિરિયલ નાંખીને રસ્તાને સુગમ બનાવવામાં આવી રહ્યો છે.