Gujarat

ખાંભા પોલીસે હથિયાર સાથે એક શખ્સને ઝડપ્યો

ખાંભા પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે મધ્યપ્રદેશના એક શખ્સની ધરપકડ કરી છે. આરોપી પાસેથી દેશી બનાવટની મેગઝીન પિસ્તોલ અને બે જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આ કાર્યવાહી અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી રોકવા માટે કરવામાં આવી હતી.

પોલીસ અધિક્ષક સંજય ખરાત અને મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવીના માર્ગદર્શન હેઠળ, ખાંભા પીઆઈ કરણસિંહ ચુડાસમાની ટીમને બાતમી મળી હતી કે, એક શખ્સ ગેરકાયદેસર પિસ્તોલ લઈને વિસ્તારમાં આવી રહ્યો છે. ખાનગી વોચ ગોઠવીને મધ્યપ્રદેશના સતના જિલ્લાના ઉચેહરા તાલુકાના મહમદ ઉર્ફાન શેખ શમશુદિન મનસુરીને ઝડપી લેવામાં આવ્યો હતો.

આરોપી પાસેથી રૂ. 25,000ની કિંમતની દેશી બનાવટની મેગઝીન પિસ્તોલ, બે જીવતા કારતૂસ, એક મોબાઈલ ફોન અને એક ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં કેટલાક નંબર લખેલા હતા. પ્રાથમિક પૂછપરછમાં મહમદ શેખે જણાવ્યું કે, આ પિસ્તોલ તેને સંજીવ કુમાર ગુઢગાવ (મહારાષ્ટ્ર) નામના વ્યક્તિએ આપી હતી પોલીસે સંજીવ કુમારને પકડવા માટે કવાયત હાથ ધરી છે, જેથી હથિયાર મંગાવનાર સુધી પહોંચી શકાય. આ મામલે ખાંભા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ 25 (1) (B) તથા (A) 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.