જિલ્લા કલેક્ટરના સૂચનાથી રાજુલા તાલુકાના કથીવદર, વિસળીયા અને હિંડોરાણા ગામને જોડતા નેશનલ હાઈવે પર માર્ગ સલામતીના વિવિધ મુદ્દાઓને લઈ સંબંધિત વિભાગોના અધિકારીઓ દ્વારા સંયુક્ત સ્થળ મુલાકાત કરવામાં આવી હતી.
સ્થળ મુલાકાત દરમિયાન નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓ, નાયબ પોલીસ અધિક્ષક, રાજુલા મામલતદાર, રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર, જિલ્લા ટ્રાફિક પોલીસ અધિકારી અને આરટીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્થળ નિરીક્ષણ દરમિયાન કથીવદર, વિસળીયા અને હિંડોરાણા ગામ માટે સર્વિસ રોડની આવશ્યકતા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ત્રણેય ગામ માટે સર્વિસ રોડના નિર્માણ માટે જરૂરી જમીન સંપાદનની કામગીરી મામલતદારના સંકલનથી NHAI દ્વારા હાથ ધરવામાં આવશે.
માર્ગ સલામતીને વધુ સુદ્રઢ બનાવવા સર્વિસ રોડનું નિર્માણ થાય ત્યાં સુધી કેનેક્ટિંગ રોડ પર સ્પીડ બ્રેકર તથા નેશનલ હાઈવે પર રમ્બલ સ્ટ્રીપ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ઉપરાંત જ્યાં ગામના રસ્તાઓ નેશનલ હાઈવે સાથે જોડાય છે તેવા સ્થળોએ 100 મીટર અગાઉથી માર્ગદર્શક સૂચના ફલકો મૂકવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. વર્ષ દરમિયાન વધુ અકસ્માતો નોંધાતા ત્રણ સ્થળોએ હાઈ માસ્ટ લાઈટ સ્થાપિત કરવા અંગે પણ નિર્ણય લેવાયો હતો.

