તાલુકા અને જિલ્લા તંત્ર દ્વારા કાંઠા વિસ્તારના ગ્રામજનોને નદીના પટમાં ન જવા તથા પશુઓને નદીપટથી દૂર રાખવા ખાસ અપીલ
જિલ્લાના ધોરાજી પાસે આવેલ ભાદર-૨ ડેમ ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં બીજી વખત સંપૂર્ણ ભરાઈને છલકાયો છે. ઉપરવાસમાં પડેલા સાવર્ત્રિક ભારે વરસાદના કારણે ડેમમાં સતત પાણીની વિપુલ આવક થઈ રહી હતી. પાણીની આવક વધતાં જળસપાટી જાળવી રાખવા માટે તંત્ર દ્વારા ડેમનો ૧ દરવાજાે અડધો ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે, જેના કારણે ડેમની નીચેના ભાગે પાણીનો મનોરમ્ય પ્રવાહ વહી રહ્યો છે.
મોટા પ્રમાણમાં પાણીની આવક થતા ડેમના દરવાજા ખોલાતાં જ ભાદર નદીમાં ૧૦૦૦ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીના આ સતત પ્રવાહને કારણે ભાદર નદી બંને કાંઠે વહેતી થઈ છે. ચોમાસાની સીઝનમાં બીજી વાર ડેમ ઓવરફ્લો થતાં સ્થાનિક ખેડૂતો અને રહીશોમાં ખુશીની લહેર ફરી વળી છે, કારણ કે આ પાણીથી આગામી સમયમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા હલ થશે.
મહત્વનું છે કે, નદીમાં પાણી છોડાતાં જ ધોરાજીથી લઈને છેક પોરબંદર સુધીના નદીકાંઠાના નીચાણવાળા ગામોને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તાલુકા અને જિલ્લા તંત્ર દ્વારા કાંઠા વિસ્તારના ગ્રામજનોને નદીના પટમાં ન જવા તથા પશુઓને નદીપટથી દૂર રાખવા ખાસ અપીલ કરવામાં આવી છે. સ્થિતિ પર સતત નજર રાખવા માટે ફ્લડ કંટ્રોલ રૂમ અને સ્થાનિક ટીમ સતર્ક બની છે.

