ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ એક મહત્વની કાર્યવાહીમાં વર્ષ 2009થી નાસતા-ફરતા બે વોન્ટેડ આરોપીઓને ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાંથી દબોચી લીધા છે. વલ્લભીપુર પોલીસ મથકમાં નોંધાયેલા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમના ગુનામાં આ બંને શખ્સો છેલ્લા 17 વર્ષથી પોલીસને થાપ આપી રહ્યા હતા.
પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2009માં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ 3 અને 7 હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસના આરોપીઓ લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતા. ભાવનગર એલ.સી.બી.ને આ આરોપીઓ ઉત્તર પ્રદેશમાં હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે એક વિશેષ ટીમ યુપીના બલિયા જિલ્લામાં મોકલવામાં આવી હતી. પોલીસે બલિયા જિલ્લામાં ગુપ્ત રીતે વોચ ગોઠવી તપાસ હાથ ધરી હતી. સતત નજર રાખ્યા બાદ બંને આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
બંને આરોપીને વલ્લભીપુર પોલીસને સોંપવામાં આવ્યા પોલીસે બ્રિજેશકુમાર શ્રીલાલ ઉર્ફે લલીતભાઈ યાદવ (50 વર્ષ) (રહે. રામપુર, ઉદયભાન, માધવપુર, જિ. બલિયા) અને પરશુરામ સરલા પ્રસાદ ઉર્ફે અટલ પ્રસાદ ગડ (56 વર્ષ) (રહે. વરવેરા, હાલ પરિખરા, પોસ્ટ તીખામપુર, જિ. બલિયા)ની ધરપકડ કરી છે. ઝડપાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી, ભાવનગર એલસીબી દ્વારા તેમને વધુ તપાસ અર્થે વલ્લભીપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

