ગુજરાતને ડ્રગ્સમુક્ત બનાવવાના રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત જૂનાગઢ બી-ડિવિઝન પોલીસને આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્ક સામે મોટી સફળતા સાંપડી છે. ભવનાથ પોલીસ મથકમાં નોંધાયેલા નાર્કોટિક્સ (NDPS) ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ રહેલા બે રીઢા આરોપીઓને પકડવા બી-ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી. ડાંગરના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમ બનાવી તપાસ તેજ કરવામાં આવી હતી.
ઓળખ છુપાવી બે દિવસ સુધી રેકી કરી ભવનાથ પોલીસ સ્ટેશનના ગુનાની કડીઓ છેક ઓડિશા સુધી લંબાયેલી જણાતાં PSI એમ.એમ. હિંગોરા અને તેમની ટીમ તપાસ અર્થે તાબડતોબ ઓડિશા પહોંચી હતી. સ્થાનિક સ્થિતિ અને ભૌગોલિક પડકારો વચ્ચે પોતાની ઓળખ છુપાવીને પોલીસ અધિકારી-કર્મચારીઓએ વેશપલટો ધારણ કર્યો હતો.
કાલાહાંડી જિલ્લાના નરલા રોડ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ બે ટુકડીઓ બનાવી સતત 48 કલાક સુધી વૉચ ગોઠવી રેકી કરવામાં આવી હતી. આ સઘન ઓપરેશન બાદ પોલીસે પ્રથમ વોન્ટેડ આરોપી અજયકુમાર ઉર્ફે ગોપીદાદા રવિન્દ્રકુમાર શામલા (રહે. તુલાગામ, તા. નરલા, જિ. કાલાહાંડી, ઓડિશા) ને કોર્ડન કરી ઝડપી લીધો હતો.
ઝડપાયેલા મુખ્ય આરોપી અજયકુમાર ઉર્ફે ગોપીદાદાની કડક પૂછપરછમાં અન્ય સાગરીત અંગે મહત્ત્વની કડીઓ મળી આવી હતી. જેના આધારે જૂનાગઢ પોલીસની ટીમે ઓડિશાના ઇન્દ્રમાલ ગામ નજીક આવેલા દુર્ગમ અને ઘનઘોર જંગલ વિસ્તારમાં સઘન કોમ્બિંગ હાથ ધર્યું હતું. જંગલમાં છુપાયેલા બીજા આરોપી ટંકાધરભાઈ રામેશ્વરભાઈ શાહુ (રહે. ઇન્દ્રમલ ગામ, તા. નરલા, જિ. કાલાહાંડી, ઓડિશા) ને પણ પોલીસે શોધી કાઢી સકંજામાં લઈ લીધો હતો.

