બાંટવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સુપરવાઈઝર રાજસીભાઈ બોરખતરીયાના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા આ કેમ્પમાં કુલ 57 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.

આ કેમ્પ રાજસીભાઈ બોરખતરીયાના 56મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયો હતો, જે તેમના 57મા વર્ષના પ્રારંભને સમાજ ઉપયોગી બનાવવાના ઉદ્દેશ્યથી પ્રેરિત હતો. જૂનાગઢ સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકના સહયોગથી આ સેવાકાર્ય સંપન્ન થયું.

બાંટવા અને આસપાસના ગ્રામજનોએ આ રક્તદાન કેમ્પમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. યુવાનો અને સ્થાનિક લોકોએ સ્વયંભૂ આગળ આવીને રક્તદાન કર્યું.
રાજસીભાઈના 57મા વર્ષના પ્રારંભે બરાબર 57 બોટલ રક્ત એકત્રિત કરીને ગ્રામજનોએ તેમને જન્મદિવસની અનોખી ભેટ આપી. કેમ્પના સફળ આયોજન બદલ સુપરવાઈઝર રાજસીભાઈ બોરખતરીયાએ PHC બાંટવા સ્ટાફ, માણાવદર તાલુકા હેલ્થ ટીમ, અને સિવિલ હોસ્પિટલ જૂનાગઢની બ્લડ બેંકની ટીમનો આભાર વ્યક્ત કર્યો. તેમણે ટૂંકી નોટિસમાં આવીને રક્તદાન કરનાર તમામ દાતાઓ અને ગ્રામજનોનો પણ હૃદયપૂર્વક આભાર માન્યો. એકત્રિત થયેલું આ રક્ત જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગી સાબિત થશે.

