Gujarat

વંથલી-માણાવદર હાઈવે પર કાળમુખો અકસ્માત

જૂનાગઢ જિલ્લાના હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે, જેમાં વધુ એક નિર્દોષ નાગરિકે પોતાનો જીવ ગુમાવ્યો છે. વંથલીથી માણાવદર તરફ જતા મુખ્ય હાઈવે પર પુરપાટ ઝડપે દોડતી કાર અને મોટરસાઇકલ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક આધેડનું કરુણ મોત નીપજ્યું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક સવાર રોડ પર ફગવાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓના કારણે તેમનો જીવ બચી શક્યો ન હતો.

મળતી સત્તાવાર માહિતી અનુસાર, આ હૃદયકંપાવનારો અકસ્માત વંથલી-માણાવદર હાઈવે પર આવેલા નરેડી ગામની સીમ નજીક સર્જાયો હતો. હાઈવે પરથી પસાર થઈ રહેલી એક કારના ચાલકે પોતાના વાહનની ગતિ પર કાબૂ ગુમાવતા સામેથી આવતી મોટરસાઇકલ સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી. ધડાકાભેર થયેલા આ અકસ્માતમાં બાઈક સવાર આધેડ હવામાં ઉછળીને રોડ પર પટકાયા હતા. તેમને શરીરે અને માથાના ભાગે અત્યંત ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચી હતી..

આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાને કારણે બાઈક ચાલક અને ઝાપોદડ ગામના વતની એવા જમનભાઈ વાછાણીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. જમનભાઈના અકાળે અવસાનના સમાચાર વાયુવેગે તેમના ગામ અને પરિવારમાં પહોંચતા જ સગા-સંબંધીઓમાં ભારે આક્રંદ અને શોકનું મોજું ફરી વળ્યું છે.

પોલીસે ટ્રાફિક હળવો કરાવ્યો મુખ્ય હાઈ-વે પર અકસ્માત સર્જાયો હોવાના કારણે રસ્તાની બંને બાજુએ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી, જેના લીધે ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી અને મુસાફરો કલાકો સુધી અટવાયા હતા. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તાની બાજુ પર ખસેડીને ટ્રાફિકજામ હળવો કરાવ્યો હતો અને વાહનવ્યવહારને પૂર્વવત કરાવ્યો હતો.