Gujarat

પાટણ અને આસપાસના વિસ્તારના કેન્સરના દર્દીઓને ઘરઆંગણે જ ઉત્તમ સારવાર મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ,પાટણ સંચાલિત પી.બી. પાટણ જનતા કેન્સર હોસ્પિટલનો શુભારંભ

પાટણ ખાતે અદ્યતન ‘જનતા કેન્સર હોસ્પિટલ‘ના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહીને હોસ્પિટલના નિર્માણમાં યોગદાન આપનાર દાતાઓ અને ટ્રસ્ટીશ્રીઓની સેવાભાવનાને બિરદાવી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,પાટણ ઉત્તર ગુજરાતમાં આરોગ્ય સારવારનું એક મોટું સેન્ટર છે. અત્યાર સુધી અહીં કેન્સરની વિશિષ્ટ સારવાર સુવિધાનો અભાવ હતો, જે આ હોસ્પિટલના પ્રારંભથી દૂર થયો છે. હવે પાટણ અને આસપાસના વિસ્તારના નાગરિકોને કેન્સરની ઉત્તમ સારવાર ઘરઆંગણે જ મળી રહેશે.

મુખ્યમંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં બદલાતી જીવનશૈલી અને તેનાથી થતા રોગો પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે વડીલોની કહેવત “ચાદર હોય એટલા પગ લંબાવવા” નો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, આજના ભૌતિકતાવાદી યુગમાં માનસિક તણાવ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવા રોગો વધી રહ્યા છે. તેના કારણે લોકોમાં વ્યસન અને તંબાકુનું પ્રમાણ પણ વધે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં ‘નશા મુક્ત ભારત‘ અને હોલિસ્ટિક હેલ્થકેરનો જે વિચાર આપ્યો છે, તેને અપનાવીને આપણે સંતુલિત જીવનશૈલી, દૈનિક યોગ અને આહાર-વિહાર સુધારીને રોગોથી દૂર રહેવું જાેઈએ

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના કરોડો લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવાનું ઐતિહાસિક કાર્ય થયું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓમાં ગરીબ, સામાન્ય અને વંચિત માનવીને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યા છે, જેથી દરેક વર્ગને આરોગ્ય અને સામાજિક સુરક્ષા મળી રહે.

આરોગ્યની સાથે પર્યાવરણ અને કુદરતી સંસાધનોના જતનની જરૂરિયાત દર્શાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,સ્વચ્છતા ને આપણા સ્વભાવ અને દૈનિક જીવનનો ભાગ બનાવવી પડશે.

‘કેચ ધ રેન‘ અભિયાન અંતર્ગત વરસાદી પાણીના ટીપે-ટીપાનો સંગ્રહ કરવો અથવા તેને જમીનમાં ઉતારવા સૌએ સક્રિય પ્રયાસો કરવા જાેઈએ. ગ્લોબલ વોર્મિંગ સામે લડવા અને ગ્રીન કવર વધારવા માટે વડાપ્રધાનશ્રીએ આપેલા ‘એક પેડ મા કે નામ‘ અભિયાનમાં જાેડાઈને વધુમાં વધુ વૃક્ષો વાવવા અપીલ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને ‘વિકસિત ભારત‘ બનાવવાનો વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે. આ સંકલ્પ ત્યારે જ સાકાર થશે જ્યારે દેશના નાગરિકોનું સ્વાસ્થ્ય ઉત્તમ હશે. સારું સ્વાસ્થ્ય એ દરેક ક્ષેત્રમાં પ્રગતિનો પાયો છે.

સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ પ્રમોદભાઈ પટેલે જણાવ્યું હતું કે પાટણની જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જનતા હોસ્પિટલે આરોગ્ય ક્ષેત્રે સીમાચિહ્નરૂપ સિદ્ધિઓ હાંસલ કરી છે. અત્યાર સુધીમાં આ હોસ્પિટલ દ્વારા ૧૫ લાખથી વધુ ઓપીડી અને, ૧.૫૦ લાખથી વધુ આઈપીડીની સારવાર તથા ૧ લાખથી વધુ સફળ ઓપરેશનો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ૧.૫૦ લાખથી વધુ સીટી સ્કેન, ૫૦ હજારથી વધુ એમઆરઆઈ, ૧૫ હજારથી વધુ એન્જિયોગ્રાફી અને ૨ હજારથી વધુ એન્જિયોપ્લાસ્ટી જેવી અત્યાધુનિક સેવાઓ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં અગાઉ ઉપલબ્ધ ન હતી તેવી ડાયાલિસિસ, આઈસીયુ, કેથ લેબ અને ન્યુરોસર્જરી જેવી અનેકવિધ આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં જનતા હોસ્પિટલ હંમેશાં મોખરે રહી છે. દાતાશ્રીઓના ઉદાર સહયોગ અને અવિરત પ્રવાહથી હવે હોસ્પિટલ દ્વારા અત્યાધુનિક કેન્સર જનતા હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે, જેમાં અંદાજે ૨૨ કરોડના ખર્ચે રેડિયોથેરાપી માટેનું લિનિયક (ન્ૈહીટ્ઠિ છષ્ઠષ્ઠીઙ્મીટ્ઠિંર્િ) મશીન વસાવવામાં આવ્યું છે. સાથે જ, ઉત્તર ગુજરાતમાં ક્યાંય ઉપલબ્ધ ન હોય અને અમદાવાદ જવું પડતું હોય તેવું પેટ સ્કેન (ઁઈ્ જીષ્ઠટ્ઠહ) પરીક્ષણ કરાવવામાં આવશે તેમજ આયુષ્માન કાર્ડધારકો માટે આ ટેસ્ટ તદ્દન નિ:શુલ્ક કરવામાં આવશે. એટલું જ નહીં, ઉત્તર ગુજરાતમાં હજુ સુધી ઉપલબ્ધ ન હોય તેવી સુપર સ્પેશિયાલિટી સેવાઓ જેવી કે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ, રોબોટિક સર્જરી અને કાર્ડિયાક સર્જરીની સુવિધાઓ પણ આગામી સમયમાં જનતા હોસ્પિટલના કેમ્પસમાં જ શરૂ કરવા માટે ટ્રસ્ટીગણ અને દાતાશ્રીઓ સંપૂર્ણપણે કટિબદ્ધ છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી સહિત મહાનુભાવોના હસ્તે દાતાશ્રીઓના સન્માન સમારોહ યોજાયો હતો

જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ,પાટણ સંચાલિત પી.બી. પાટણ જનતા કેન્સર હોસ્પિટલનું ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ ,સાંસદ શ્રી ભરતસિંહ ડાભી, સાંસદ બાબુભાઈ દેસાઈ,ધારાસભ્ય સર્વે શ્રી બલવંતસિંહ રાજપુત લવિંગજી ઠાકોર,કિરીટ પટેલ, જિલ્લા કલેક્ટર ડૉ પ્રશાંત જીલોવા, જિલ્લા પોલીસ અધીક્ષક વી કે નાયી,વિશ્વ ગુજરાતી સમાજના ભાવેશ લાખાણી, એપીએમસી ચેરમેન સ્નેહલ પટેલ,અગ્રણી કે સી પટેલ, સંસ્થા ના પ્રમુખ મનસુખ પટેલ, મુખ્ય દાતા વિનોદભાઈ ઝવેરી, કેન્સર હોસ્પિટલના દાતાશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ તેમજ પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા