Gujarat

SMC ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કામરેજ પોલીસે સંયુક્ત ઓપરેશનમાં શંકાસ્પદ મીઠાઈનો જથ્થો ઝડપાયો

આવનારા સમયમાં દિવાળીના તહેવારોમાં લોકોની હેલ્થ સાથે ચેડાં કરતા એકમો પર પોલીસ અને સુરત મનપાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કડક પગલા ભર્યા છે જેમાં શહેરના કામરેજ વિસ્તારમાં છેડછા ગામે સંયુક્ત ઓપરેશનમાં શંકાસ્પદ મીઠાઈનો મસમોટો જથ્થો મળી આવ્યો છે.

સુરત પોલીસ અને સુરત મનપાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કરેલી છેડછા ગામમાં મીઠાઈ બનાવતી એક ફેક્ટરીમાં દરોડા કરવામાં આવ્યા હતા. બાતમીના આધારે કરેલી આ કાર્યવાહીમાં શંકાસ્પદ મીઠાઈનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેની અંદાજિત કિંમત ૩૬.૬૯ લાખ રૂપિયા જેટલી થવા જાય છે.

આ મામલે તપાસ દરમિયાન સ્થળ પરથી હલકી ગુણવત્તાવાળી અને શંકાસ્પદ રીતે બનાવવામાં આવતી વિવિધ ફ્લેવરની મીઠાઈઓ મળી આવી હતી. ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સ્થળ પરથી ગુલકંદ બરફી, સફેદ બરફી અને અંજિરી બરફી સહિતના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.

સુરત મનપા.ના ફૂડ વિભાગ અને પોલીસની આ સંયુક્ત કામગીરી દરમિયાન કુલ ?૩૬.૬૯ લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં ૨૮૨૬ કિલો ગ્રામ અલગ અલગ પ્રકારના ફ્લેવરની શંકાસ્પદ મીઠાઈ ઉપરાંત પામ ઓઈલના પેક કરેલા ૭૪ ડબ્બા અને ૧૦ લિટર છૂટક પામ ઓઈલ જપ્ત કરવામાં આવ્યું છે. સાથે જ ખાંડની ૨૦૦ જેટલી બેગ પણ સીઝ કરવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર ડી.બી. મકવાણાએ જણાવ્યું કે, સવારે શંકાસ્પદ બરફીનું વેચાણ થતું હોવાની ફરિયાદ મળતા કોસમાડા વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી. અંદાજે ૧૮૦૦ કિલો જેટલો જથ્થો શંકાસ્પદ જણાઈ આવ્યો છે. નમૂનાના રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે મીઠાઈમાં કેટલી ભેળસેળ થતી હતી.