Gujarat

લાલપુર તાલુકા પંચાયતમાં સખી મંડળની કેન્ટીન, લેબ શરૂ

જામનગર જિલ્લા વિકાસ અધિકારી (DDO)ના માર્ગદર્શન હેઠળ લાલપુર તાલુકા પંચાયત ખાતે સખી મંડળ દ્વારા સંચાલિત કેન્ટીન, હેલ્પ ડેસ્ક અને કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી (TDO), તાલુકાના તલાટી-કમ-મંત્રી સહિત અનેક અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલનો મુખ્ય હેતુ ગ્રામીણ મહિલાઓના આજીવિકા વિકાસ અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે.

આ સુવિધાઓ સખી મંડળની બહેનોને સ્વરોજગારની વધુ તકો પૂરી પાડશે, તેમની આવકમાં વધારો કરશે અને તેમને સરકારી સેવાઓ સાથે વધુ અસરકારક રીતે જોડવામાં મદદ કરશે.

કેન્ટીન દ્વારા તાલુકા પંચાયત આવતા નાગરિકો અને કર્મચારીઓને સ્વચ્છ તથા ગુણવત્તાસભર નાસ્તા-ભોજનની સુવિધા મળશે. જ્યારે હેલ્પ ડેસ્ક અને કોમ્પ્યુટર લેબ દ્વારા મહિલાઓને ડિજિટલ સેવાઓ, ઓનલાઈન કામગીરી અને વિવિધ સરકારી યોજનાઓ વિશે માર્ગદર્શન અને સહાય ઉપલબ્ધ થશે.