Gujarat

જામનગરમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં અપશબ્દો બોલવાની શંકાને લઈને થયેલા ઝઘડામાં એક યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. આ મામલે પોલીસે પાંચ આરોપી સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ફરિયાદી બાબુ ઉર્ફે રણજીતસિંહ જશાજી જેઠવા (ઉં.વ. 30), રહે. ગોકુલનગર, શેરી નં.11, જામનગરે ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, 17 જુલાઈની રાત્રે તેમના ઘરની બાજુના ખુલ્લા પ્લોટમાં કેટલાક લોકો ગાળો બોલી રહ્યા હતા. આ બાબતે સોનુબા ગુમાનસિંહ જાડેજાને શંકા જતાં તેઓ ફરિયાદીના ઘરે આવી તેમના ભાઈઓ અંગે પૂછપરછ કરવા લાગ્યા હતા. આ દરમિયાન ગુમાનસિંહ જાડેજા, પ્રદીપસિંહ ગુમાનસિંહ જાડેજા, જયલો રાઠોડ, દિવ્યરાજસિંહ વાધેલા, જોષનાબા અને તેમના પતિ ત્યાં આવી પહોંચ્યા હતા.

ફરિયાદ અનુસાર, પ્રદીપસિંહ ગુમાનસિંહ જાડેજા પાસે છરી હતી અને જયલો રાઠોડ પાસે લાકડાનો ધોકો હતો. થોડા સમય બાદ બહારથી બૂમો પડતા ફરિયાદી બહાર નીકળ્યા ત્યારે તેમના ભાઈ પ્રદીપસિંહ જેઠવા ઘરની બહાર લોહીલુહાણ હાલતમાં પડેલા જોવા મળ્યા. આરોપી પ્રદીપસિંહે તેમને છરીના ઘા મારતા ગંભીર ઇજા પહોંચી હતી. આરોપીઓએ ફરિયાદીના બીજા ભાઈ મયુરસિંહને પણ ઢીકા-પાટુનો માર માર્યો હોવાનો આક્ષેપ છે. ઇજાગ્રસ્ત પ્રદીપસિંહને તાત્કાલિક જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા.