Gujarat

જામનગરમાં ભક્તિભાવપૂર્વક જગન્નાથ રથયાત્રા મહોત્સવનો પ્રારંભ

જામનગરમાં અષાઢી બીજના પવિત્ર પર્વે ભગવાન જગન્નાથજીના રથયાત્રા મહોત્સવનો શાનદાર પ્રારંભ થયો છે. શહેરના વિશાલ હોટલ પાસે, સિધ્ધનાથ સોસાયટી રોડ નં. 2 પર આવેલા જગન્નાથ મંદિરમાં આ 12 દિવસીય ભવ્ય મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે.

મહોત્સવની શરૂઆતે મંદિર પરિસરની અંદર જ એક વિશાળ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં ઉમટી પડેલા શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ભગવાનના રથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

જગન્નાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી 16 થી 27 જુલાઈ સુધી 12 દિવસ માટે વિશેષ આયોજન કરાયું છે. જેમાં ઓડિશાની મૂળ પરંપરા મુજબ ભગવાનની વિશેષ પૂજા-અર્ચના, ધાર્મિક વિધિઓ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝાર યોજાશે.

મહોત્સવ દરમિયાન મંદિરે આવતા તમામ શ્રદ્ધાળુઓ માટે દરરોજ મહાપ્રસાદની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. જગન્નાથ કલ્ચર એસોસિએશનના સ્થાપક અને પ્રમુખ શ્રીમંતકુમાર પાલે શહેરની ધર્મપ્રેમી જનતાને આ પવિત્ર કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં જોડાવા અને લાભ લેવા અનુરોધ કર્યો છે.