ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે પાદરામાંથી પસાર થતી ઢાઢર નદીમાં પૂર આવ્યું છે. નદી હાલ બે કાંઠે વહી રહી છે, જેના પરિણામે પાદરા તાલુકાના સોખડા-રાઘુ-કોટણા ગામોને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ કોઝવે પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. આ કોઝવે પાદરા અને કરજણ વચ્ચેનો એક મહત્વપૂર્ણ માર્ગ છે. વાહનવ્યવહાર બંધ થતાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, પોલીસે કોઝવે પાસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે અને લોકોને પાણીમાંથી પસાર ન થવા માટે અપીલ કરી રહી છે.
સ્થાનિક તંત્ર દ્વારા પાણીના સ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે. નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓને પણ સાવચેત રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. તંત્ર નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર અધિકૃત સૂચનાઓનું પાલન કરવા તથા જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી રહ્યું છે. વરસાદ યથાવત રહેતાં આગામી કલાકોમાં નદીમાં પાણીની આવકમાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

