Gujarat

ગીર સોમનાથમાં હથિયારબંધીનું જાહેરનામું બહાર પડ્યું

ગીર સોમનાથ જિલ્લામાં આગામી મહિનામાં અલગ અલગ સમુદાયના ધાર્મિક તહેવારો આવી રહ્યા છે. આ તહેવારો દરમિયાન ધાર્મિક અને જાહેર સ્થળોએ મોટી સંખ્યામાં લોકો ભેગા થશે. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જી. આલે હથિયારબંધીનું જાહેરનામું બહાર પાડ્યું છે.

આ જાહેરનામા મુજબ, સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં કોઈ પણ વ્યક્તિ તલવાર, ભાલા, ચપ્પુ કે શારીરિક હિંસા પહોંચાડી શકે તેવી અન્ય કોઈ પણ વસ્તુ લઈ જઈ શકશે નહીં. પથ્થરો કે અન્ય શસ્ત્રો ફેંકવા માટે ઉપયોગી યંત્રો કે સાધનો પણ લઈ જવા, ભેગા કરવા કે તૈયાર કરવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત, કોઈ પણ વ્યક્તિના શબ, આકૃતિઓ કે પૂતળા પ્રદર્શિત કરી શકશે નહીં.

જાહેર સ્થળોએ અપમાનજનક કે બિભત્સ સૂત્રો પોકારવા, અશ્લીલ ગીતો ગાવા પર પણ રોક લગાવવામાં આવી છે. શાંતિ અને સદ્ભાવના ભંગ થાય તેવા કોઈ હાવભાવ કે ચેષ્ટા કરી શકાશે નહીં. ચિત્રો, પ્લેકાર્ડ કે અન્ય કોઈ વસ્તુઓ પ્રદર્શિત કરવા પર પણ પ્રતિબંધ છે.

આ જાહેરનામું અમુક વ્યક્તિઓને લાગુ પડશે નહીં. તેમાં સરકારી નોકરી કરતા એવા કર્મચારીઓનો સમાવેશ થાય છે જેમને અધિકારીઓએ હથિયાર લઈ જવાની ફરજ સોંપી હોય. જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા અધિકૃત કરાયેલા અધિકારીઓ પણ આમાંથી મુક્તિ મેળવશે.