Gujarat

ચૈતર વસાવાને એક દિવસના હંગામી જામીન

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટમાંથી 30 દિવસના હંગામી જામીન માંગ્યા હતા. જેમાં કોર્ટે તેના એક દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે. ફોરેસ્ટ કર્મચારીઓને માર મારવાના કેસમાં ચાલુ વર્ષે નર્મદા કોર્ટે ચૈતર વસાવાને 7 વર્ષ કેદની સજા કરી છે અને હાલ જેલમાં બંધ છે.

શરૂઆતમાં MSWની પરીક્ષા માટે જામીન માંગ્યા અરજદારના વકીલે શરૂઆતમાં રજુઆત કરી હતી કે, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન બાલહંસ કોલેજ ઓફ સોશિયલ વર્ક ખાતે MSWના પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા અને વાઈવા આપવા ચૈતર વસાવાને 30 દિવસના હંગામી જામીન આપવામાં આવે.

જો કે કોર્ટે જ્યારે પ્રશ્ન ઉઠાવ્યો કે, જેલમાં હોવા છતાં પ્રવેશ કેવી રીતે મળ્યો અને હાજરી તેમજ ફીલ્ડ વર્ક વિના પરીક્ષા કેવી રીતે આપી શકાય? ત્યારે અરજદારના વકીલે પરીક્ષાના ગ્રાઉન્ડ પરની માંગણી પડતી મૂકી હતી.

ચૈતરના ભાઈએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની કોર્ટમાં રજૂઆત એ સાથે જ અરજદારના વકીલે વધુમાં રજૂઆત કરી હતી કે, અરજદારના ભાઈ શાંતિલાલ વસાવાએ ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે અને તેઓ સિવિલ હોસ્પિટલ, સુરતમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર ગંભીર હાલતમાં છે. તેમની સારવાર, ભંડોળ અને સંભાળ માટે અરજદારની હાજરી જરૂરી હોવાથી 30 દિવસના હંગામી જામીન આપવામાં આવે.

સરકારી વકીલે અરજી રદ કરવાની દલીલ કરી સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે, દર્દી શાંતિલાલ અરજદારના સાવકા ભાઈ છે. કુટુંબમાં એક સગો ભાઈ, ત્રણ સગી બહેન અને ચાર સાવકા ભાઈ-બહેનો હાજર છે, જેઓ દર્દીની સંભાળ રાખી શકે છે. તેથી અરજદારની હાજરી અનિવાર્ય નથી અને અરજી રદ કરવી જોઈએ.