Gujarat

પડધરીમાં લૂંટમાં ફરિયાદી જ માસ્ટર માઈન્ડ નીકળ્યો

રાજકોટ ગ્રામ્ય LCB દ્વારા પડધરીના ઈશ્વરિયાથી ન્યારા ગામ તરફ જવાના રસ્તે થયેલી લૂંટની ઘટનાનો ભેદ ઉકેલી લેવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, જે ફરિયાદીએ પોતાની સાથે લૂંટ થઈ હોવાની ખોટી સ્ટોરી ઉભી કરી હતી, તે પોતે જ આ સમગ્ર પ્રકરણનો માસ્ટરમાઈન્ડ નીકળ્યો હતો.

ન્યારા ગામના ફરિયાદી મોતીભાઈ હેમંત ચાવડિયાને આર્થિક ભીંસ અને દેવું થઈ ગયું હતું અને આ વાત પરિવારને કહેવાનો ડર લાગતો હોવાથી તેમણે લૂંટનું આખું તરકટ રચ્યું હતું. તેમણે અગાઉ જ ચાંદીનું કડું અને વીંટી રાજકોટ સોની બજારમાં વેચી દીધા હતા અને લેણદારોને રૂપિયા 56 હજાર ચૂકવી દીધા હતા.

₹ 72,300ની લૂંટનું ષડયંત્ર રચ્યું હતું SP વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, શરૂઆતમાં રોકડા ₹ 9,800, ચાંદીનું કડું અને વીંટી સહિત કુલ ₹ 72,300ની લૂંટ તથા કારનો કાચ તોડી રૂપિયા 8,000નું નુકસાન કર્યાની ખોટી ફરિયાદ નોંધાવવામાં આવી હતી. રાજકોટ ગ્રામ્ય LCBએ CCTV ફૂટેજ, ટેકનિકલ તપાસ અને હ્યુમન સોર્સની મદદથી સઘન પૂછતાછ કરી આ જૂઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો હતો.

આરોપીએ દેવું ચૂકવવા જ લૂંટની બનાવટી કહાની ઊભી કરી હતી, પરંતુ પોલીસની ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારિત ઊંડાણપૂર્વકની તપાસના કારણે આખો મામલો બહાર આવી ગયો અને પોલીસે ચાંદીનું કડું તથા વીંટી સહિત ₹ 62,500નો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે