દેશને નશામુક્ત બનાવવાના અભિયાનના ભાગરૂપે ગુજરાતમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) દ્વારા વ્યાપક જનજાગૃતિ અભિયાન અને ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં નશાના દુષણ સામે લોકોને જાગૃત કરવા માટે કુલ 572 જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગેરકાયદે દવાઓના વેચાણ સામે કાર્યવાહી: એસ. એસ. ભદૌરિયા ANTFના DySP એસ. એસ. ભદૌરિયાએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, નશામુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે રાજ્યમાં જનજાગૃતિની સાથે ગેરકાયદે રીતે દવાઓના વેચાણ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
25 મેડિકલ સ્ટોરમાં ગેરરીતિઓ સામે આવતા નોટિસ આ કામગીરીના ભાગરૂપે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને રાજ્યના 213 મેડિકલ સ્ટોરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન 25 મેડિકલ સ્ટોરમાં ગેરરીતિઓ ધ્યાને આવતાં તેમને નોટિસ આપવામાં આવી છે. તપાસમાં જરૂરી પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓનું વેચાણ થતું હોવાનું પણ સામે આવ્યું હતું. આવી ગેરરીતિઓ સામે સંબંધિત વિભાગો દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

