Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદરમાં પૂજ્ય બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કરી ભાવાંજલિ અર્પી

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૭મી જન્મજયંતી નિમિત્તે પોરબંદરના કીર્તિમંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ

વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતી નિમિત્તે પોરબંદર કીર્તિ મંદિરમાં પૂજ્ય બાપુને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતી નિમિત્તે પોરબંદર ખાતે કીર્તિમંદિરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પૂજ્ય બાપુને ભાવાંજલિ અર્પણ કરતાં જણાવ્યું હતું કે, સત્ય અને અહિંસાના પૂજારી, યુગપુરુષ મહાત્મા ગાંધીજીએ પોરબંદરની આ પવિત્ર ધરતી પર જન્મ લઈ સમગ્ર વિશ્વને સત્ય, અહિંસા, સર્વોદય અને વિશ્વબંધુત્વનો માર્ગ બતાવ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પૂજ્ય બાપુ કહેતા કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. પ્રાર્થના માત્ર શબ્દોનો ઉચ્ચાર નથી, પરંતુ અંતરાત્મા સાથેનો સંવાદ, આત્મપરીક્ષણ અને સદાચાર માટેની આંતરિક શક્તિ છે. વ્યક્તિના જીવનમાં પ્રાર્થના વિનમ્રતા, સંયમ, કરુણા અને પોતાની ભૂલ સ્વીકારી તેમાં સુધારો કરવાની પ્રેરણા આપે છે. જ્યારે પ્રાર્થના સભા વ્યક્તિગત ઈચ્છાઓથી ઉપર ઊઠીને સૌના કલ્યાણ, પરસ્પર વિશ્વાસ, સહાનુભૂતિ અને સેવાભાવ સાથે જાેડાવાની પ્રેરણા આપે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતની વિશેષતા તેની વિવિધ આસ્થાઓ, પરંપરાઓ અને જીવન પદ્ધતિઓમાં રહેલી એકતામાં છે. સર્વધર્મ પ્રાર્થના કોઈ એક આસ્થાને નાની કે મોટી ગણાવતી નથી, પરંતુ દરેક વ્યક્તિને પોતાની શ્રદ્ધા સાથે ગૌરવપૂર્વક જીવવાનો સમાન અધિકાર અને પરસ્પર આદરનો સંદેશ આપે છે. સર્વધર્મ સમભાવની આ ભાવના સમાજમાં અવિશ્વાસ ઘટાડીને સમરસતા, શાંતિ અને રાષ્ટ્ર એકતાને વધુ મજબૂત બનાવે છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂજ્ય બાપુના સર્વધર્મ સમભાવના ધ્યેયને ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ’ના મંત્ર દ્વારા આગળ ધપાવ્યો છે. વંચિત, પીડિત, શોષિત અને છેવાડાના માનવીના કલ્યાણને કેન્દ્રમાં રાખીને ગામડાં અને ગરીબ સુધી વિકાસ અને સુવિધાઓ પહોંચાડવાની દિશામાં દેશ આગળ વધી રહ્યો છે. ગાંધીજીના સ્વરાજના વિચાર સાથે આર્ત્મનિભર ભારતનો સંકલ્પ જાેડાઈને રાષ્ટ્રના વિકાસની આધુનિક અભિવ્યક્તિ બની રહ્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે, પૂજ્ય બાપુએ આપેલા સ્વચ્છતાના વિચારને વધુ વ્યાપક બનાવતાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સ્વચ્છ ભારત મિશનને જનઆંદોલનનું સ્વરૂપ મળ્યું છે. બાળકોથી લઈને વયોવૃદ્ધ સુધી નાગરિકો સ્વચ્છતાના સ્વયંસેવક અને સ્વચ્છાગ્રહી બની રહ્યા છે. તેવી જ રીતે, પૂજ્ય બાપુને પ્રિય ખાદીને ‘ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન’ના સંદેશ સાથે નવી પેઢી અને યુવાનો સાથે જાેડવાના પ્રયાસો થઈ રહ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા વર્ષોમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગરીબ, વંચિત અને છેવાડાના માનવી સુધી સુખ-સુવિધાઓ પહોંચાડવાની નેમ સાથે રાષ્ટ્રના વિકાસને ગતિ આપવામાં આવી છે. પૂજ્ય બાપુના અહિંસા, સર્વોદય અને વિશ્વબંધુત્વના વિચારોને અનુરૂપ ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવનાથી ભારત સમગ્ર વિશ્વને એક પરિવાર તરીકે જાેઈ રહ્યું છે અને સંવાદ, ભાગીદારી તથા માનવકેન્દ્રિત સહકાર માટે વિશ્વસનીય સહયોગી તરીકે પોતાની ભૂમિકા નિભાવી રહ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે, પૂજ્ય બાપુના નેતૃત્વમાં સત્ય અને અહિંસાના માર્ગે ભારતે અંગ્રેજી શાસનમાંથી સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી. હવે આઝાદીની શતાબ્દી વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની ઐતિહાસિક તક દેશ સમક્ષ છે. આ અમૃતકાળની યાત્રામાં આર્ત્મનિભરતા, ગરીબ કલ્યાણ, સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસના સંકલ્પ સાથે આગળ વધવા તેમણે આહવાન કર્યું હતું.

અંતમાં મુખ્યમંત્રીશ્રીએ સર્વધર્મ પ્રાર્થના સભા દ્વારા સૌને પૂજ્ય બાપુના સત્ય, અહિંસા, પ્રેમ અને સર્વોદયના માર્ગે ચાલવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો. હૃદયમાં પ્રેમ, જીવનમાં અહિંસા, સમાજમાં સમરસતા અને રાષ્ટ્ર પ્રથમનો ભાવ રાખીને સૌએ પોતાના કર્તવ્યનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું જાેઈએ તેવી ભાવના વ્યક્ત કરી તેમણે પૂજ્ય બાપુને ભાવવંદના અર્પણ કરી હતી.

વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું કે ગાંધીજી એક એવા દૈવી વ્યક્તિત્વ હતા જેમણે નાના-નાના પ્રયાસોથી માનવજીવન બદલવાનું કાર્ય કર્યું છે. તેમણે આજની વૈશ્વિક સ્થિતિનો સંદર્ભ આપી સ્પષ્ટ કર્યું કે આખરે તો સમાધાન માટે વાતચીતના ટેબલ પર જ આવવું પડે છે; જાે દેશો આ સંવાદ પહેલાં કરી લે તો લાખો માનવ જિંદગીઓ અને પીડા બચી શકે છે. હિંસા સામે અહિંસા અને અસત્ય સામે સત્યની ગાંધી વિચારધારા આજે પણ સમગ્ર વિશ્વ માટે શાશ્વત અને અનિવાર્ય છે.

પોરબંદરની પવિત્ર ભૂમિ સાથે જાેડાયેલી આ વૈશ્વિક ઓળખને તેમણે ગૌરવપૂર્ણ ગણાવી હતી. આ સાથે જ તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિઝનનો ઉલ્લેખ કરતાં આહવાન કર્યું કે સ્વચ્છતા એ માત્ર ઉજવણી નથી પરંતુ આપણા દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનવી જાેઈએ. ઘર, શેરી અને દેશને સ્વચ્છ રાખીને ગાંધીજીના વિચારોને આચરણમાં ઉતારવા એ જ બાપુ પ્રત્યેની સાચી શ્રદ્ધાંજલિ છે.

આ પ્રાર્થના સભામાં પૂજ્ય બાપુના સત્ય, અહિંસા, સ્વચ્છતા અને સર્વધર્મ સમભાવના શાશ્વત જીવનમૂલ્યોનું સ્મરણ કરવામાં આવ્યું હતું. કલાકાર વૃંદે સુંદર પ્રાર્થના અને ભાવમય ગીતો રજૂ કર્યા હતા.

પ્રાર્થના સભામાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, પોરબંદર મનપા મેયર શ્રી સાગર મોદી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શીતલબેન ઓડેદરા, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખિરિયા, પૂર્વ સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, જિલ્લા કલેક્ટર શ્રી એસ. ડી .ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. બી ચૌધરી, મનપા કમિશનર શ્રી ટી. સી તીરથાણી, જિલ્લા પોલીસ વડા શ્રી ભગીરથસિંહ જાડેજા, રેઅર એડમિરલ શ્રીતનુ ગુરુ,ડીઆઈજી સુધાંશુ શ્રી નારાયણ બાજપાઈ, નિવાસી અધિક કલેક્ટર શ્રી આશિષ મિયાત્રા, ડેપ્યુટી મેયર શ્રી મનિષ શિયાળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી વિક્રમભાઈ ઓડેદરા, પ્રાંત અધિકારી શ્રી સંદીપ જાદવ, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ સંગઠનના પ્રભારી શ્રી વિમલભાઈ કરગથરા, સહિતના અધિકારીઓ – પદાધિકારીઓ, શહેરના અગ્રણીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.