Gujarat

ગુજરાત પોલીસની કચેરી-મકાનમાં મરામતના નામે થતા ભ્રષ્ટાચાર પર લગામ

ગુજરાત પોલીસના રહેણાંક મકાનો અને કચેરીઓની મરામતના કામોમાં પારદર્શિતા લાવવા, વહીવટી વિલંબ ઘટાડવા અને ગેરરીતિની શક્યતાઓ પર અંકુશ મૂકવા રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે મહત્ત્વનો નિર્ણય લીધો છે.

પોલીસ વિભાગના રહેણાંક અને બિન રહેણાક મકાનોમાં ચાલુ મરામત તથા ખાસ મરામતના કામો માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરવામાં આવી છે. નવી વ્યવસ્થા હેઠળ હવે મરામતનાં કામો માટે ત્રણ ક્વોટેશન મેળવવાને બદલે જરૂરી ચીજવસ્તુના ત્રણ ક્વોટેશન મેળવીને ગુણવત્તાયુક્ત સામગ્રી અગાઉથી ખરીદી સ્ટોકમાં રાખવામાં આવશે. પરિણામે નળ, લાઈટ, પંખા, વાયરિંગ અને પાઈપલાઇન જેવી સામાન્ય સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવી શકાશે.

4,789 કામો પાછળ ₹ 19 કરોડનો ખર્ચ પોલીસ વિભાગમાં નવી SOP લાગુ કરવાનો નિર્ણય ગત નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન થયેલા મરામતનાં કામોની સમીક્ષા બાદ લેવામાં આવ્યો છે. સમીક્ષા દરમિયાન સામે આવ્યું હતું કે, ચાલુ મરામત ગ્રાન્ટ હેઠળ કુલ 4,789 કામ પાછળ આશરે ₹ 19 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમાંથી 4,119 કામ પાછળ રૂ. 17.48 કરોડનો ખર્ચ માત્ર ત્રણ ક્વોટેશન મેળવીને કરવામાં આવ્યો હતો. એટલે કે, કુલ કામમાંથી આશરે 86 ટકા કામો આ પદ્ધતિથી થયાં હતાં.

આ પ્રક્રિયામાં ક્વોટેશન મેળવવા અને મંજૂરીની કાર્યવાહી પૂર્ણ કરવામાં સમય લાગતો હતો. સાથે જ વહીવટી મુશ્કેલીઓ ઊભી થતી હતી અને ગેરરીતિના આક્ષેપો પણ થતા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મરામતની કામગીરી વધુ ઝડપી, પારદર્શક અને ગુણવત્તાયુક્ત બને તે માટે નવી પદ્ધતિ અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.