હજ યાત્રા કરવા ઇચ્છતા વકીલ સહિત દંપતી સાથે લાખોની છેતરપિંડીની ઘટના સામે આવી છે. વડોદરાના આજવા રોડ વિસ્તારમાં રહેતા અને દિવાળીપુરા કોર્ટમાં વકીલાત કરતા અલ્તાફહુસેન ગુલામમહંમદ શેખે આરોપ મૂક્યો છે કે, તેમને અને તેમની પત્નીને 2026ની હજ યાત્રા પર મોકલવાનું કહીને વડોદરા અને સુરતના ટુર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોએ 10.30 લાખ રૂપિયા પડાવ્યા હતા. જોકે, હજ યાત્રા માટે માન્ય વિઝા અને એર ટિકિટ આપવામાં આવી ન હતી. રૂપિયા પરત માંગતા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
હજ યાત્રા માટે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો સંપર્ક કર્યો હતો વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલી મેમણ કોલોનીમાં રહેતા એડવોકેટ અલ્તાફહુસેન શેખ અને તેમની પત્નીએ મે-2026માં હજ યાત્રા કરવા માટે વડોદરાની અલમુતહા ટુર એન્ડ ટ્રાવેલ્સનો સંપર્ક કર્યો હતો. ટુર સંચાલકોએ સુરત સ્થિત એસ.એસ. હજ કોર્પોરેશન ટુર એન્ડ ટ્રાવેલ્સ સાથે મળીને પ્રતિ વ્યક્તિ 5 લાખનું પેકેજ નક્કી કર્યું હતું. વિશ્વાસમાં લઈ તેમની પાસેથી ચેક, રોકડ, RTGS અને ઓનલાઈન ટ્રાન્સફર મારફતે રૂ. 10.30 લાખની રકમ વસૂલવામાં આવી હતી.
‘પૈસા નહીં મળે, તમારાથી થાય તે કરી લેજો’ રકમ ચૂકવ્યા બાદ વકીલને હજ યાત્રા માટે વિઝા લેટર આપવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે તેમણે ઓનલાઈન ચકાસણી કરી ત્યારે વિઝા માન્ય હોવાનું જોવા મળ્યું નહીં. ઉપરાંત, હજ યાત્રા માટેની એર ટિકિટ પણ આપવામાં આવી ન હતી. અનેક વખત સંપર્ક કરવા છતાં આરોપીઓ સંતોષકારક જવાબ આપતા ન હતા.
જ્યારે વકીલે પોતાના રૂપિયા પરત માંગ્યા ત્યારે આરોપીઓએ ગાળો આપી, “પૈસા નહીં મળે, તમારાથી થાય તે કરી લેજો, ઓફિસે આવશો તો જીવતા પાછા નહીં જાઓ,” એવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે પાંચ આરોપીઓ સામે છેતરપિંડી અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

