ભાવનગર શહેરના મામા કોઠા રોડ પર આવેલા એક મકાનમાંથી રૂ.5.57 લાખના સોનાના દાગીનાની ચોરી થવાનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ચોરાઉ દાગીના વેચવા જઈ રહેલી ભૂતપૂર્વ કામવાળી મહિલા અને તેના પતિને ઝડપી પાડ્યા હતા. પોલીસે દંપતી પાસેથી સોનાના દાગીના કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે બંનેને ગંગાજળીયા પોલીસને સોંપ્યા છે.
બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે દંપતીને ઘેર્યું ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, મામા કોઠા રોડ સ્થિત રિક્ષા સ્ટેન્ડ પાછળ એક પતિ-પત્ની ચોરીના સોનાના દાગીના સાથે ઉભા છે. જે આધારે દરોડો પાડી રમજાન રહિમભાઈ મકવાણા અને પત્ની રોશનબેન મકવાણાની અટકાયત કરી તલાશી લેવાતાં તેમની પાસેથી બંગડી, વીંટી અને પેન્ડન્ટ સહિત રૂ.5,57,824નો મુદ્દામાલ મળી આવ્યો હતો. દાગીના અંગે કોઈ આધાર કે સંતોષકારક જવાબ ન મળતાં પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો.
અઢી મહિના પહેલાં કબાટમાંથી કરી હતી ચોરી પોલીસની કડક પૂછપરછમાં રોશનબેને કબૂલાત કરી હતી કે, પોતે અઢી મહિના પહેલાં ખદીજાબેન કપાશીને ત્યાં કામ કરતી હતી ત્યારે કબાટના ખાનામાંથી સોનાના દાગીનાની ચોરી કરી હતી. આ ચોરાઉ દાગીના બજારમાં વેચવા માટે જતાં હતાં ત્યારે જ બંને પકડાઈ ગયા હતા. ગંગાજળીયા પોલીસ મથકમાં અગાઉ નોંધાયેલા ગુના સંદર્ભે પોલીસે દંપતી વિરુદ્ધ આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

