Gujarat

56 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં હાર્દિક ગોંડલિયાની અરજી કોર્ટે ફગાવી

ગુજરાતમાં સામે આવેલા ₹56 કરોડથી વધુના બોગસ બિલિંગ કૌભાંડમાં જેલહવાલે થયેલા મુખ્ય આરોપી હાર્દિક રમેશભાઈ ગોંડલિયાને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. આરોપી પક્ષે ડીજીજીઆઈ (DGGI) દ્વારા કરાયેલી ધરપકડ અને જ્યુડિશિયલ કસ્ટડી ગેરકાયદેસર હોવાનો દાવો કરી તાત્કાલિક મુક્ત કરવા અરજી કરી હતી.

જોકે, સુનાવણી દરમિયાન સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર ઇમરાન એ. મલેક દ્વારા કોર્ટ સમક્ષ કાયદાકીય દલીલો રજૂ કરવામાં આવી હતી. સરકાર પક્ષની રજૂઆતો અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી કોર્ટે આરોપી હાર્દિક ગોંડલિયાની ગેરકાયદે કસ્ટડી અંગેની તમામ દલીલો ફગાવી દઈ અરજી નામંજૂર કરી દીધી છે.

દસ્તાવેજોમાં ‘DIN’ અને ધરપકડના સ્થળનો ઉલ્લેખ ન હોવાની રાવ કરી હતી અરજદાર હાર્દિક ગોંડલિયા તરફથી કોર્ટમાં એવી રાવ કરવામાં આવી હતી કે DGGI દ્વારા ગત 1 સપ્ટેમ્બરના રોજ રાત્રે 10:00 વાગ્યે ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરાયો ત્યારે તેનો કોઈ વકીલ હાજર નહોતો.

આરોપી પક્ષે દલીલ કરી હતી કે સેન્ટ્રલ બોર્ડના સર્ક્યુલર મુજબ દરેક દસ્તાવેજ પર ડોક્યુમેન્ટ આઇડેન્ટિફિકેશન નંબર (DIN) હોવો ફરજિયાત છે, છતાં તેને અપાયેલા ગ્રાઉન્ડ ઓફ અરેસ્ટ, રીઝન ટુ બીલીવ અને પ્રોડક્શન રિપોર્ટમાં DIN દર્શાવાયો નથી. વધુમાં, અરેસ્ટ મેમોમાં ધરપકડના સ્થળનો ઉલ્લેખ ન હોવાથી ડી.કે. બાસુ ગાઇડલાઇનનું ઉલ્લંઘન ગણાવી લાજપોર જેલમાંથી મુક્ત કરવા માંગ કરાઈ હતી.