લંડન સ્થિત ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટરના સ્થાપક અને જાણીતા આધ્યાત્મિક ગુરુ રાજરાજેશ્વર ગુરુ વડોદરાની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે સનાતન ધર્મ, બાબા રામદેવ અને બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી વચ્ચેના વિવાદ, વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ સહિતના વિવિધ મુદ્દાઓ પર મહત્વપૂર્ણ નિવેદનો આપ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, વડોદરા એ ધર્મ અને આધ્યાત્મિક જગત સાથે માનવ ધર્મ અને સંસ્કૃતિ આપનારું શહેર છે. રાજરાજેશ્વર ગુરુજી આશરે 100 જેટલા સંતો સાથે આવતીકાલે સોમનાથ ખાતે યોજાનારી ‘સંત સંસદ’માં ભાગ લેવા માટે રવાના થશે.
લંડનમાં સનાતન ધર્મના પ્રચાર-પ્રસાર અંગે તેમણે જણાવ્યું કે હિન્દુઓની એકતા વધુ મજબૂત બને તે માટે સિદ્ધાશ્રમ છેલ્લા 25 વર્ષથી રાજનૈતિક અને ધાર્મિક બંને ક્ષેત્રોમાં કાર્ય કરી રહ્યું છે. સનાતન પર ખતરો હોવાની વાતો પર સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે, સનાતન પર ખતરો પહેલા પણ નહોતો, આજે પણ નથી અને આગળ પણ નહીં રહે, કારણ કે સનાતન તૂટી જ નહીં શકે. સનાતન એક અખૂટ સમુદ્ર છે, કોઈ નાનું તળાવ કે નાનો દરિયો નથી કે જેમાં ડરવાની વાત હોય. આ ઉપરાંત, UKમાં ગંગોત્રીથી 25 લિટર પાણી મંગાવી રિવર થેમ્સમાં 250 લોકો સાથે ગંગા અને થેમ્સના મિલનના ઉદ્દેશ્યથી ગંગા આરતી કરાઈ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

