વડોદરાના ગોત્રી વિસ્તારમાં પારિવારિક વિશ્વાસને ઠેસ પહોંચાડતો કિસ્સો સામે આવ્યો છે. મકાનની લોનના હપ્તા ભરવા માટે માતાએ પોતાના સોનાના દાગીના ગીરવે મૂકીને પુત્રીને 1.85 લાખની આર્થિક મદદ કરી હતી. જોકે, લોનના હપ્તા પૂર્ણ થયા બાદ દાગીના છોડાવવાનો સમય આવ્યો ત્યારે પુત્રી અને તેના બોયફ્રેન્ડએ સોનાના દાગીના પોતાની પાસે રાખ્યા હતા.
માતા-પિતાને ઘરે જવા કહી પાછળથી દાગીના લઈને આવવાનું જણાવી બંને ત્યાંથી નીકળી ગયા હતા. લાંબા સમય સુધી રાહ જોયા બાદ પણ દાગીના પરત ન મળતાં આખરે 65 વર્ષીય માતાએ પોતાની પુત્રી પદમા અને તેના મિત્ર દીપક સિરોયા વિરુદ્ધ અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મકાનની લોનના હપ્તા ભરવા માતા પાસે મદદ માગી હતી ગુણાતીત રેસિડેન્સીમાં રહેતાં શારદાબેન પરમારના જમાઈ સુરેશ વસાવાએ લોન પર મકાન ખરીદ્યું હતું. મકાનની લોનના હપ્તા ભરવા માટે નાણાંની જરૂરિયાત ઊભી થતાં પુત્રી પદમાએ માતા પાસે મદદ માગી હતી. પુત્રીની આર્થિક મુશ્કેલીને ધ્યાનમાં રાખીને શારદાબેને પોતાની પાંચ સોનાની વીંટી, એક સોનાની ચેન અને એક સોનાનું પેન્ડલ સહિતના દાગીના ગીરવે મૂકવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ આંબેડકર સર્કલ પાસે આવેલી મુથુટ ફાઇનાન્સમાં દાગીના ગીરવે મૂકી રૂ.1.85 લાખ મેળવી પુત્રીને આપ્યા હતા.

