જામનગર શહેરના વોર્ડ નં-1 માં આવેલા બેડી વિસ્તારમાં મહાનગરપાલિકા અને તંત્રની પ્રિ-મોન્સુન કામગીરીની ઘોર બેદરકારી સામે આવી છે. વિસ્તારની કેનાલોમાં યોગ્ય સફાઈ ન થવાના કારણે ઉગી નીકળેલી બાવળની ઝાડીઓમાં એક ગાય ફસાઈ જતાં તેનું કરૂણ મોત નીપજ્યું છે, જેને પગલે સ્થાનિક જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ત્રણ દિવસ પહેલાં એક ગાય કેનાલમાં ઉતરી હતી. પરંતુ કેનાલમાં સફાઈના અભાવા લીધે ચારેય તરફ બાવળની ઘાટી ઝાડીઓ હોવાથી ગાય બહાર નીકળી શકી નહોતી અને ત્યાં જ ફસાઈ રહી હતી. આ અંગે તંત્રને પણ અગાઉ જાણ કરવામાં આવી હોવા છતાં યોગ્ય કાર્યવાહી થઈ નહોતી.
ત્યારબાદ એક સેવાભાવી યુવકે આ અંગે ફાયર બ્રિગેડ વિભાગ તથા વછરાજ ગૌશાળાના કાર્યકરોને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ટીમે ભારે જહમત બાદ ગાયને કેનાલમાંથી બહાર કાઢી હતી, પરંતુ સારવાર અને સમયસર મદદ ન મળવાને કારણે ગાય મૃત હાલતમાં મળી આવી હતી. પ્રિ-મોન્સુનની યોગ્ય કામગીરી ન થવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનો આક્ષેપ કરતા સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. લોકોએ માંગ કરી છે કે પ્રિ-મોન્સુન સફાઈ કામગીરીનો કોન્ટ્રાક્ટ ધરાવતી પેઢી સામે કડક પગલાં લેવામાં આવે અને તેને તાત્કાલિક અસરથી બ્લેકલિસ્ટ કરવામાં આવે છે.

