નાની વયના બાળકોમાં વધતા જતાં ગંભીર રોગો અને કથળતા સ્વાસ્થ્યને ધ્યાને રાખીને રાજ્ય શાળા સંચાલક મહામંડળે શિક્ષણમંત્રીને પત્ર લખી શાળા પરિસરમાં જંકફૂડના વેચાણ પર કડક નિયંત્રણો મૂકવાની માગ કરી છે.
મહામંડળે શાળાની કેન્ટીનો માટે કડક SOP બનાવવા તેમજ શાળાઓની 100 મીટરની ત્રિજ્યામાં જંકફૂડ, પેકેટ ફૂડ અને વધુ પડતા તેલ-ખાંડવાળા ખાદ્યપદાર્થોના વેચાણ પર પ્રતિબંધ મૂકવા રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે પણ શાળાઓની 50 મીટરની ત્રિજ્યામાં જંકફૂડના વેચાણ પર પ્રતિબંધ લાદ્યો છે.
કેન્ટીનનું રજિસ્ટ્રેશન અને સમયાંતરે ચેકિંગની માગ શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે જણાવ્યું કે, શાળાઓમાં ચાલતી કેન્ટીનોનું રજિસ્ટ્રેશન ફરજિયાત હોવું જોઈએ. આ ઉપરાંત મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ દ્વારા કેન્ટીનમાં પીરસવામાં આવતી વાનગીઓની સમયાંતરે ચકાસણી થવી જોઈએ. જો કોઈ સંસ્થા સરકારની SOPનું પાલન ન કરે તો તેની સામે કડક કાર્યવાહી કરવાની માગ પણ કરવામાં આવી છે.
બાળક કેજીથી ધોરણ 12 સુધીનો મોટાભાગનો સમય શાળામાં વિતાવે છે, તેથી તેને નાનપણથી જ પૌષ્ટિક આહારની ટેવ પાડવી જરૂરી છે. પૂર્વકાળની જેમ સીંગ અને ચણા જેવા પૌષ્ટિક ખોરાકનો ઉપયોગ વધારવા પર અધ્યક્ષે ભાર મૂક્યો હતો.

