Gujarat

સોનાના જડિત ઘરેણાં અને પોલિશ્ડ ડાયમંડની ડિમાન્ડ વધી

વૈશ્વિક બજારમાં ક્રિસમસ અને તહેવારોની સિઝન પૂર્વે ભારતીય હીરા અને ઝવેરાત ઉદ્યોગ માટે નિકાસ મોરચે અત્યંત પ્રોત્સાહક સમાચાર સામે આવ્યા છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ઓક્ટોબર 2026માં દેશની કુલ જેમ્સ એન્ડ જ્વેલરી નિકાસમાં વાર્ષિક ધોરણે ડોલરના સંદર્ભમાં 34.01 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. આ જંગી ઉછાળા સાથે ઓક્ટોબર મહિનામાં કુલ નિકાસ 2.92 અબજ ડોલર (અંદાજે ₹27,862.82 કરોડ) ના સ્તરે પહોંચી ગઈ છે, જે ઉદ્યોગમાં નવી ઊર્જાનો સંચાર કરે છે.

એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન નિકાસમાં 7.28%ની મજબૂત વૃદ્ધિ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિના એટલે કે એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન પણ નિકાસનું પ્રદર્શન એકંદરે હકારાત્મક રહ્યું છે. આ સમયગાળામાં ભારતની કુલ જેમ્સ એન્ડ જ્વેલરી નિકાસ 17.22 અબજ ડોલર નોંધાઈ છે, જે ગત વર્ષના સમાન ગાળાના 16.05 અબજ ડોલરની સરખામણીએ 7.28 ટકા વધુ છે. ખાસ કરીને ઓક્ટોબરમાં કટ અને પોલિશ્ડ ડાયમંડની નિકાસ 10.50 ટકા વધીને 1.13 અબજ ડોલર થઈ છે, જ્યારે સોનાનાં સાદાં અને જડિત ઘરેણાંની નિકાસ 48.20 ટકાના ઉછાળા સાથે 1.26 અબજ ડોલરે પહોંચી છે. તેમાં પણ જડિત સોનાનાં ઘરેણાંની નિકાસમાં 67.30 ટકાનો જંગી વધારો જોવા મળ્યો છે.

નાણાકીય વર્ષ 2026-27ના અંત સુધીમાં 10% વૃદ્ધિની આશા નિકાસના આ ઉત્સાહજનક આંકડા અંગે GJEPCના ચેરમેન કિરીટ ભણસાલીએ જણાવ્યું હતું કે, જો વર્તમાન નિકાસ ગતિ જળવાઈ રહેશે તો નાણાકીય વર્ષ 2026-27ના અંત સુધીમાં કુલ નિકાસમાં 10 ટકાની વૃદ્ધિ હાંસલ થવાની પૂરી આશા છે. તેમના મતે, પોલિશ્ડ હીરાના વેપારમાં થઈ રહેલો સુધારો, આંતરરાષ્ટ્રીય બજારમાંથી મળી રહેલા નવા ઓર્ડર અને હીરાના ભાવમાં આવેલી સ્થિરતા સમગ્ર ઉદ્યોગ માટે અત્યંત સકારાત્મક સંકેત છે.