મહારાજા શ્રી ભગવતસિંહજી આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજ (એમ.બી. આર્ટ્સ કોલેજ) ખાતે આજે ‘વિકસિત ભારત યુવા સંવાદ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ વિશેષ કાર્યક્રમમાં દેશના કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવીયાએ ખાસ ઉપસ્થિત રહી યુવાનો સાથે સીધો સંવાદ કર્યો હતો અને તેમને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા.

ભવ્ય સ્વાગત અને દીપ પ્રાગટ્ય કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાને પુસ્તક અને ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, કોલેજની ઉત્સાહી વિદ્યાર્થીનીઓ દ્વારા કેન્દ્રીય મંત્રીને કંકુ તિલક કરી આવકારવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન 2 GUJ બટાલિયન રાજકોટના NCC ઓફિસર વિજયસિંહ જાડેજા અને તેમની NCC ટીમે કેન્દ્રીય મંત્રીના પાયલોટિંગની જવાબદારી સંભાળી હતી.

