ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા લેવામાં આવેલા મનોરથના ભાવ વધારાના ર્નિણય સામે ભારે વિરોધ ફાટી નીકળ્યા બાદ, આખરે તંત્રએ નમતું જાેખ્યું છે. ભક્તો અને પૂજારીઓના આક્રોશને ધ્યાનમાં રાખીને આ ભાવ વધારો હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.
પવિત્ર યાત્રાધામ ડાકોર સ્થિત સુપ્રસિદ્ધ રણછોડરાયજી મંદિરમાં વિવિધ મનોરથ અને સેવા પૂજાના દરોમા વધારાની જાહેરાત બાદ વિવાદ વકર્યો હતો. ખાસ કરીને ભગવાનના સોનાના શિખરે ધજા ચડાવવાના ભાવમાં અધધ વધારો કરવામાં આવતા ભક્તોમાં ભારે રોષ જાેવા મળ્યો હતો. અગાઉ ધજા ચડાવવાનો જે ચાર્જ ૬૦૦ રૂપિયા હતો, તેને વધારીને સીધો ૨૫૦૦ રૂપિયા કરી દેવામાં આવતા હોબાળો મચ્યો હતો. આ ર્નિણયથી સામાન્ય ભક્તોની આસ્થા પર આર્થિક બોજ પડતો હોવાની લાગણી વ્યાપી હતી. ઉલ્લેખનીય છે કે આ ભાવ વધારો ૧૧ મે થી લાગુ થવાનો હતો.
સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ટેમ્પલ કમિટી દ્વારા અચાનક લેવામાં આવેલા આ ર્નિણયનો માત્ર ભક્તોએ જ નહીં, પરંતુ મંદિરના પૂજારીઓ અને સેવકોએ પણ ઉગ્ર વિરોધ કર્યો હતો. સોશિયલ મીડિયાથી લઈને મંદિર પરિસર સુધી આ ભાવ વધારાને પાછો ખેંચવાની માંગણી પ્રબળ બની હતી. વિવાદ વધુ વકરે તે પહેલા સ્થિતિને થાળે પાડવા માટે મંદિર પ્રશાસન દ્વારા એક વિશેષ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી તમામ પક્ષો સાથે ચર્ચા કરીને યોગ્ય ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે.
આ કમિટિના ર્નિણયની અસર માત્ર ભક્તો પરજ નહીં પરંતુ મંદિર સાથે જાેડાયેલા સેવક સમાજ પર પણ પડશે.સેવક સમાજના આગેવાનો દ્વારા મંદિરમાં મનોરથોના આ ભાવ વધારો તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવે અને શ્રદ્ધાળુઓના હિતમાં અને મંદિરની ગરિમા જાળવી રાખવા માટે આ ર્નિણય મોકૂફ રાખવા આવે તેવી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ ભાવ વધારાને લઈને ભક્તોમાં પણ રોષ ફેલાયો હતો. જેથી હવે ટેમ્પલ કમિટિએ આ ભાવ વધારો હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. ૧૫મી મેના રોજ સેવક આગેવાનો સાથે ચર્ચા કરાશે અને ત્યાર બાદ ર્નિણય લેવાશે.

