વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જામનગર આગમન દરમિયાન, શહેરના માજી રાજવી શત્રુશલ્યસિંહજી જાડેજાને ‘ભારત રત્ન’ એનાયત કરવાની માંગ ઉઠી છે. રતનબાઈ મસ્જિદ ટ્રસ્ટ દ્વારા બેનર અને પોસ્ટર લગાવીને આ સંદેશ વડાપ્રધાન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો.

જામનગર શહેરમાં રતનબાઈ મસ્જિદ વિસ્તારમાં વડાપ્રધાનના સ્વાગત માટે બેનરો લગાવવામાં આવ્યા હતા. આ બેનરોમાં ખાસ કરીને માજી રાજવી શત્રુશલ્યસિંહજી જાડેજાને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’થી સન્માનિત કરવાની અપીલ કરવામાં આવી હતી.

ટ્રસ્ટના આગેવાનોએ જણાવ્યું હતું કે, જામનગરના વિકાસ, લોકહિત અને સામાજિક કાર્યોમાં માજી રાજવી પરિવારનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. આ યોગદાનને ધ્યાનમાં રાખીને તેમને ‘ભારત રત્ન’ આપવાની લાગણી સાથે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન લગાવવામાં આવેલા આ બેનર અને પોસ્ટર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.

