Gujarat

દીકરી બાબતે અપશબ્દો બોલવાની ના પાડતાં ધારીયું ઝીંક્યું; માથામાં 3 ટાંકા આવ્યા

પાલીતાણાના બસ સ્ટેન્ડ રોડ પર દીકરી બાબતે અપશબ્દો બોલવાની ના પાડવા જેવી સામાન્ય બાબતમાં પિતા-પુત્રએ ઉશ્કેરાઈને એક વેપારી પર ધારીયા અને ઢીકાપાટુ વડે જીવલેણ હુમલો કર્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. આ હુમલામાં વેપારીને માથાના ભાગે ગંભીર ઈજા થતાં લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના માથામાં 3 ટાંકા આવ્યા છે. આ મામલે પાલીતાણા ટાઉન પોલીસે હુમલો કરનાર પિતા-પુત્ર વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દુકાને આવીને દીકરી વિશે ખરાબ બોલતા હોબાળો થયો બનાવની વિગત એવી છે કે, પાલીતાણા ટાઉન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ, ફરિયાદી સંજય મકવાણા બસ સ્ટેન્ડ રોડ પર દિગંબર જૈન ધર્મશાળા પાસે આવેલી પોતાની ‘વિશ્વકર્મા ખેતી ઓજાર’ નામની દુકાને હાજર હતા.

તે દરમિયાન બપોરના આશરે 02:45 વાગ્યાની આસપાસ તેમનો નાનો ભાઈ મુકેશ અને કૌટુંબિક ભત્રીજો આકાશ વાતચીત કરી રહ્યા હતા. થોડીવાર પછી આકાશ નીતિનભાઈ મકવાણા અને તેના પિતા નીતિન વનમાળીભાઈ મકવાણા બંને પિતા-પુત્ર એકસંપ થઈને સંજયભાઈની દુકાને આવ્યા હતા. આકાશએ ત્યાં આવીને સંજયભાઈ સાથે માથાકૂટ કરી તેમની દીકરી વિશે બેફામ ગાળો આપી અપશબ્દો કહ્યા હતા.