કેન્દ્ર સરકારના ‘હબ-એન્ડ-સ્પોક’ મોડલ અંતર્ગત એર ઈન્ડિયાએ અમદાવાદ એરપોર્ટથી ‘ઈઝી કનેક્ટ’ ફ્લાઈટ્સની શરૂઆત કરી છે. અમૃતસર અને વારાણસી બાદ આ સુવિધા મેળવનાર અમદાવાદ દેશનું ત્રીજું શહેર બન્યું છે.
આ સેવા હેઠળ અમદાવાદથી દિલ્હી થઈને વિદેશ જતાં મુસાફરોને અમદાવાદ એરપોર્ટ પર જ થ્રૂ-ચેક-ઈન અને ઈમિગ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવાની સુવિધા મળશે, જેથી દિલ્હી ખાતે ફરીથી બેગેજ ચેક-ઈન કે ટર્મિનલ બદલવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.
‘ઈઝી કનેક્ટ’ ફ્લાઈટ્સનું શિડ્યુલ ફ્લાઈટ AI1117 સવારે 8:25 વાગ્યે અમદાવાદથી ઉપડી સવારે 10:15 વાગ્યે દિલ્હી પહોંચશે. આ ફ્લાઈટ દિલ્હીથી શાંઘાઈ, કાઠમંડુ, દુબઈ, એમ્સ્ટરડેમ, મનીલા, પેરિસ, કોલંબો, ફ્રેન્કફર્ટ, લંડન, મિલાન, કુઆલાલમ્પુર, રિયાધ, રોમ અને ઝ્યુરિખ સહિતના શહેરોની કનેક્ટિવિટી મળશે.
ફ્લાઈટ AI1121 રાત્રે 8:15 વાગ્યે અમદાવાદથી ઉપડી રાત્રે 10:00 વાગ્યે દિલ્હી પહોંચશે. આ ફ્લાઈટને દિલ્હીથી સિંગાપોર, સિયોલ, બેંગકોક, દુબઈ, ટોરોન્ટો, સિડની અને લંડન સહિતના શહેરોની કનેક્ટિવિટી મળશે.
આ સેવાઓ 1 અને 2 સપ્ટેમ્બરથી કાર્યરત કરવામાં આવી છે. આ બંને ફ્લાઈટને દિલ્હી એરપોર્ટથી 4 કલાકની અંદર અમેરિકા, કેનેડા, યુકે, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને ગલ્ફ દેશો સહિત 26 આંતરરાષ્ટ્રીય સ્થળો માટે કનેક્ટિવિટી મળશે.

