Gujarat

લિંબાયતમાં હાઈપ્રોફાઈલ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ

મેડિકલ ડ્રગ્સ સપ્લાય કરનારી એક મુખ્ય સૂત્રધાર મહિલા લિંબાયત પોલીસના સિકંજામાં આવી ગઈ છે. લિંબાયત પોલીસે હ્યુમન સોર્સીસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સઘન ઓપરેશન હાથ ધરીને મીઠીખાડી વિસ્તારમાંથી 32 વર્ષીય મહિલા આરોપી આફરીનબી વાસીમ સૈયદની ધરપકડ કરી છે.

આ શાતિર મહિલા ડૉક્ટરના સત્તાવાર પ્રિસ્ક્રિપ્શન વિના વેચી ન શકાય તેવી અત્યંત જોખમી એન્ટી-ડિપ્રેશન દવાઓ ગેરકાયદેસર રીતે મંગાવીને નશાના બંધાણીઓને સપ્લાય કરતી હતી. સુરતના યુવાધનને બરબાદ કરવાના આ કાળા ખેલ પાછળ આ મહિલા જ મુખ્ય કડી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

પારિવારિક ગુનાહિત ઇતિહાસ અને સાસુનું કનેક્શન પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસ દરમિયાન આ નેટવર્કની વધુ એક ચોંકાવનારો વિગત પ્રકાશમાં આવી છે કે, આફરીન સૈયદના પરિવારના મૂળિયાં ગુનાખોરી સાથે ઊંડા જોડાયેલા છે. ધરપકડ કરાયેલી આરોપી મહિલાની સાસુ પણ અગાઉ ડ્રગ્સ સપ્લાય કરવાના 2 મોટા ગુનાઓમાં સામેલ રહી ચૂકી છે.

આના પરથી સ્પષ્ટ થાય છે કે, આ પરિવારમાં ગેરકાયદેસર નશાકારક પદાર્થોનું વેચાણ કરવાનો કારોબાર લાંબા સમયથી ચાલી રહ્યો હતો. સાસુના પગલે ચાલીને વહુ આફરીને પણ લિંબાયત વિસ્તારમાં પોતાનું આગવું નેટવર્ક ઊભું કરી દીધું હતું. હાલ પોલીસ એ દિશામાં તપાસ ચલાવી રહી છે કે આ મહિલા આટલી મોટી માત્રામાં પ્રતિબંધિત દવાઓ કોની પાસેથી લાવતી હતી અને તેની સાથે આ રેકેટમાં અન્ય કયા કયા લોકો સામેલ છે.

ઘરને જ બનાવી દીધું હતું નશાનો અડ્ડો આ સમગ્ર રેકેટનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે લિંબાયત પોલીસે અગાઉ આઝાદ ચોક વિસ્તારમાં આવેલા એક મકાન પર દરોડો પાડીને રઈશ નામના સ્થાનિક સાગરીતની ધરપકડ કરી હતી. પોલીસને ચકમો આપવા માટે આ શખ્સે પોતાના ઘરને જ નશાનો ગુપ્ત અડ્ડો બનાવી દીધો હતો. આ ઘરમાંથી જ તે ખૂબ જ આસાનીથી ગ્રાહકોને નશાના હેતુ માટે ઊંચા ભાવે આ દવાઓ વેચતો હતો.

રઈશની કડક પૂછપરછ કરવામાં આવતા તેણે કબૂલાત કરી હતી કે તેને નશાકારક ગોળીઓનો આ જથ્થો વેચવા માટે આપનાર મુખ્ય સપ્લાયર આફરીનબી સૈયદ જ હતી. આ કબૂલાતના આધારે પોલીસે ટેકનિકલ વર્કઆઉટ કરીને મુખ્ય મહિલા સૂત્રધાર સુધી પહોંચવામાં સફળતા મેળવી છે.