Gujarat

અમરેલીમાં રાજુલાના ધાતરવડી બ્રિજ પરથી ટ્રક નીચે ખાબકતાં આગ લગતા ચાલક જીવતો ભડથું

અમરેલી જિલ્લાના રાજુલાના ધાતરવડી બ્રિજ પરથી એક અનિયંત્રિત ટ્રક અચાનક નીચે ખાબક્યો હતો. બ્રિજ નીચે પટકાતાની સાથે જ ટ્રકમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ફસાયેલા ટ્રકચાલકનું ઘટનાસ્થળે જ જીવતા ભૂંજાઈ જવાથી કરુણ મોત નીપજ્યું હતું.

દુર્ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, અને પોલીસ તેમજ ઇમરજન્સી સેવાઓને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને પોલીસ, ફાયર વિભાગ, ૧૧૨ ઇમરજન્સી સેવા સહિતનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને બચાવ તેમજ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

આ ઘટના મામલે મીડિયા સુત્રો પાસેથી માહિતી મુજબ ટ્રકમાં લાગેલી આગ એટલી ભયંકર હતી કે ટ્રકમાં સવાર એક વ્યક્તિ બહાર નીકળી શક્યો ન હતો અને આગની ઝપેટમાં આવી જતા તેનું ઘટનાસ્થળે જ સળગી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. આગની તીવ્રતા એટલી વધુ હતી કે ફાયર વિભાગની ટીમને આગ કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

લગભગ બે કલાકની સતત કામગીરી બાદ ફાયર વિભાગની ટીમ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકી હતી. આગ ઓલવાયા બાદ પોલીસ દ્વારા ટ્રકમાંથી મૃતકના અવશેષો બહાર કાઢી વધુ તપાસ માટે પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત કેવી રીતે સર્જાયો, ટ્રકનું સંતુલન કેમ બગડ્યું અને ઘટનાના સાચા કારણો શું છે તે અંગે હાલ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે. આ અંગે રાજુલા પીઆઇ વિજય કોલાદરાએ જણાવ્યું હતું કે, પોલીસ તુરંત ઘટના સ્થળ પર પહોંચી હતી અને ફાયર વિભાગની ટીમને બોલાવી આગ ઓલવવાની કામગીરી કરવામાં આવી હતી.

આગ પર કાબૂ મેળવ્યા બાદ પોલીસે ટ્રકમાંથી ચાલકનો કાળી ગયેલો મૃતદેહ બહાર કાઢ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક ટ્રક ચાલકની ઓળખ અજય ભાલિયા તરીકે થઈ છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળીને તેને પોસ્ટમોર્ટમ અર્થે રાજુલાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. આ અકસ્માત કયા કારણોસર સર્જાયો, ચાલકને ઝોકું આવી ગયું હતું કે વાહનમાં કોઈ યાંત્રિક ખામી સર્જાઈ હતી, તે દિશામાં રાજુલા પોલીસે કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.