Gujarat

વટવામાં ગંદકીના કારણે બાળકોને આંગણવાડીમાં ભણવા જવાનું પણ નસીબમાં નથી

વટવાના સદભાવનાનગરમાં નાના બાળકોના શિક્ષણ અને આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યાં હોવાની સ્થિતિ સામે આવી છે. આવાસ યોજનાના બ્લોક નંબર-19માં જોગણી માતાજીના મંદિર પાસે આવેલી આંગણવાડી જર્જરિત હાલતમાં છે. એટલું જ નહીં, આંગણવાડીની આસપાસ ગટરના ગંદા પાણી ફરી વળ્યાં છે અને કચરાના ઢગલાને કારણે અસહ્ય ગંદકી ફેલાઈ છે.

આ સ્થિતિમાં બાળકો આંગણવાડીમાં ભણવા આવી શકતાં નથી અને આંગણવાડી બંધ હાલતમાં હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી છે. શિક્ષકો પણ આવી પરિસ્થિતિમાં બાળકોને ભણાવવા માટે આવી શકતા નથી. પરિણામે નાનાં બાળકોના પાયાના શિક્ષણ પર અસર પડી રહી છે. એક તરફ રાજ્ય સરકાર સૌ ભણે, સૌ આગળ વધે, કન્યા કેળવણી અને શિક્ષણના અધિકારની વાતો કરે છે, જ્યારે બીજી તરફ અમદાવાદમાં જ આંગણવાડી જેવી પાયાની શૈક્ષણિક વ્યવસ્થાની આવી સ્થિતિ જોવા મળી રહી છે.

સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત અને સ્માર્ટ સિટીના દાવા વચ્ચે આંગણવાડીની આસપાસ ગંદકીના કારણે બાળકોને ભણવા માટે સુરક્ષિત વાતાવરણ પણ મળતું નથી. ગટરના ગંદા પાણી અને કચરાના કારણે મચ્છરજન્ય તથા અન્ય બીમારીઓ ફેલાવાની ભીતિ પણ સ્થાનિકોને સતાવી રહી છે.