શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તથા રોજગાર અને તાલીમ નિયામક કચેરી હેઠળની મદદનીશ રોજગાર નિયામક કચેરી, વડોદરા દ્વારા આગામી તા. 27 નવેમ્બરના રોજ રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળો સવારે 10 કલાકથી મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, પ્રથમ માળ, આઈટીસી બિલ્ડિંગ, આઈટીઆઈ કેમ્પસ, તરસાલી, વડોદરા ખાતે યોજાશે.
આ ભરતી મેળામાં ફિટર, વેલ્ડર, રિલેશનશિપ ઓફિસર, એપ્રેન્ટિસ, સેલ્સ એન્ડ માર્કેટિંગ, ઓપરેટર, મિકેનિકલ અને ટ્રેઇની સહિતની વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. સર્વિસ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ, સેલ્સ અને ઇન્સ્યોરન્સ ક્ષેત્રની 7 કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી 150થી વધુ જગ્યાઓ માટે ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેશે. ભરતી મેળામાં ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ, આઈટીઆઈ, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા 18થી 35 વર્ષની વયજૂથના પુરુષ અને મહિલા ઉમેદવારો ભાગ લઈ શકશે.
ભરતી મેળામાં માત્ર રોજગારીની તકો જ નહીં, પરંતુ ઉમેદવારોને વિદેશમાં રોજગાર અને અભ્યાસ માટે સેફ એન્ડ લીગલ માઇગ્રેશન અંગે પણ નિષ્ણાતો દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત પીએમ ઇન્ટર્નશિપ યોજના, લશ્કરી ભરતી પૂર્વેની 30 દિવસની નિઃશુલ્ક નિવાસી તાલીમ યોજના, નિઃશુલ્ક વ્યાવસાયિક તાલીમ યોજના તેમજ સ્વરોજગાર માટેની લોન સહાય યોજના અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે.

