Gujarat

હિપોના પીંજરામાં બેદરકારી બદલ સિક્યુરિટી એજન્સીને નોટિસ

કમાટીબાગ ઝૂમાં હિપોપોટેમસ પોન્ડ નજીક સહેલાણીઓ પહોંચી ગયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. સુરક્ષા વ્યવસ્થાની બેદરકારી બદલ પેન્થર સિક્યુરિટી એજન્સીને નોટિસ ફટકારી ખુલાસો મગાયો છે. જ્યારે ઝૂમાં સહેલાણીઓ માટે ખાવાનું લઈ જવા પર પ્રતિબંધ ફરમાવાશે. પાલિકાના સિક્યુરિટી વિભાગને પત્ર લખીને એજન્સી સામે નિયમો મુજબ દંડનીય કાર્યવાહી કરવા જણાવાયું છે.

ઝૂમાં ઘટેલી જોખમી ઘટના બાદ આગામી દિવસોમાં ઝૂમાં સહેલાણીઓને ખાવાનું લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવનાર છે. આ માટે પ્રવેશદ્વાર પર જ સહેલાણીઓની બેગની તપાસ અને નિયંત્રણની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

પ્રાણી સંગ્રહાલયમાં પ્રવેશતા જ સહેલાણીઓના બેગ પર ટેગ લોક લગાવવામાં આવશે અને જ્યારે તેઓ પાછા ફરશે ત્યારે તે ખોલવામાં આવશે. આમ, બેગમાં ખાદ્યસામગ્રી લઈ જવા પર નિયંત્રણ મૂકવાની સાથે પ્રાણી સંગ્રહાલયની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

ઝૂમાં નિર્ધારિત ફૂડ ઝોન બનશે, ત્યાં જ નાસ્તો કરાશે મુલાકાતીઓ બહારથી લાવેલો નાસ્તો કે ખાણી-પીણી ઝૂમાં ન લઈ જઈ શકે તે માટે આયોજન થઈ રહ્યું છે. કેમ્પસમાં ખાણી-પીણી લઈ જવા પર રોક લગાવી એક-બે નિર્ધારિત કંટ્રોલ ફૂડ ઝોન ઊભા કરાશે. મુલાકાતી ત્યાં જ બેસીને નાસ્તો કરશે. ત્યાંથી ખાવાનું લઈ આગળ ફરી શકાશે નહીં. > પ્રત્યુષ પાટણકર, ઝૂ ક્યુરેટર